જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં ગઇકાલે નેશનલ લોક અદાલતનું આયોજન થયું હતું. આ નેશનલ લોક અદાલતમાં સમાધાનકારી ઉકેલ માટે 9000થી વધુ કેસો મુકાયા હતાં. જે પેકી 6983 કેસનો સમાધાનકારી ઉકેલ આવ્યો હતો.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં ગઇકાલે નેશનલ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાનને પાત્ર ફોજદારી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ 138ના ચેકોના કેસ, બેંક રિક્વરી દાવા, મોટર એક્સિડેન્ટ ક્લેઇમ કેસ, લેબર તકરારના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, વિજળી-પાણી બિલના સમાધાનને પાત્ર ન હોય તે સિવાયના કેસ કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સિસના તથા નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ, ભાડુઆત, સુખાધિકાર, મનાઇ હુકમના દાવા તેમજ સિવિલ પ્રકારના સહિતના અંદાજિત 9800 કેસ મુકાયા હતાં.
ગઇકાલે જામનગર જિલ્લા અદાલત ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ વી.જી. ત્રિવેદીની અધ્યક્ષતામાં દિપ પ્રાગટય બાદ લોક અદાલત ખુલ્લી મૂકાઇ હતી. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, બાર એસો.ના ઉપપ્રમુખ અશોકભાઇ જોશી, જિલ્લા સરકારી વકીલ, જજ તેમજ સિનિયર એડવોકેટ તથા બેંકો-વિજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ નેશનલ લોક અદાલતમાં કુલ 6983 કેસોનો સમાધાનકારી ઉકેલ આવ્યો હતો.