ભારત સરકારના કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, માનનીય સંસદસભ્ય પૂનમબેન માડમ, માનનીય સંસદસભ્ય રામભાઈ મોકરિયા તથા અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા 14 નવેમ્બર, 2025ના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકોટ-પોરબંદર વચ્ચે દોડનારી ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામ ગણમાન્ય અતિથિઓનું સ્વાગત કર્યું. પોતાના ઉદ્બોધનમાં તેમણે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, સંસદસભ્ય પૂનમબેન માડમ, માનનીય સંસદસભ્ય રામભાઈ મોકરિયા તથા અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા રેલ સુવિધાઓ વધારવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની સરાહના કરી હતી.
પોતાના ઉદ્બોધનમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની શરૂઆત થવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના વિકાસને વધુ ગતિ મળશે અને મુસાફરોને મહત્તમ સુવિધા અને સુલભ મુસાફરીનો લાભ મળશે. તેમણે અને માનનીય મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજકોટ-પોરબંદર ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી બેસીને પોરબંદર સુધીની મુસાફરી કરી, જ્યાં ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ સ્ટોપેજ પર સ્થાનિક પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તથા નવી ટ્રેન શરૂ થવાની ખુશી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ધારાસભ્ય જિતેન્દ્ર રાદડિયા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા બીજેપી પ્રમુખ અલપેશભાઈ ઢોલરિયા, રાજકોટ શહેર બીજેપી પ્રમુખ ડો. માધવ દવે, રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને અન્ય અતિથિઓ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ટ્રેન સંખ્યા 59561/59562 રાજકોટ-પોરબંદર લોકલ
નવેમ્બર, 2025થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે 8.35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13.15 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બર, 2025થી દરરોજ પોરબંદરથી 14.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.55 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.
ટ્રેન નંબર 59563 રાજકોટ-પોરબંદર લોકલ 16 નવેમ્બરથી સપ્તાહમાં 5 દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે 14.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 20.30 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 59564 પોરબંદર-રાજકોટ લોકલ 15 નવેમ્બરથી સપ્તાહમાં 5 દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે 7.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12.35 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.
તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે. તમામ ટ્રેનોના બધા કોચ જનરલ એટલે કે અનારક્ષિત હશે એમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે.


