કેન્દ્ર સરકારે બુધવારે વિવાદાસ્પદ બનેલા #GENOCIDE અંગે બ્લોક કરાયેલા સંખ્યાબંધ ટ્વિટર એકાઉન્ટ ફરીથી શરૂ કરવા માટે સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય આઇટી મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્વિટરને આ હેશટેગ સાથે સંકળાયેલા એકાઉન્ટ બ્લોક કરવાની સૂચના અપાઇ હતી. ટ્વિટરે આ સંદર્ભ અગાઉ બ્લોક કરેલા 250થી વધુ એકાઉન્ટ ફરી શરૂ કરી દેતાં હવે મંત્રાલયે ટ્વિટરને દંડનીય કાર્યવાહીની ચેતવણી આપી છે. સરકારે નોટિસમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીએ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની ધારા 69નું ઉલ્લંધન કર્યું છે. અને તેમાં સાત વર્ષની કેદની જોગવાઇ છે.
સરકારે ટ્વિટરને પાઠવેલી નોટિસમાં જણાવ્યું હતુંકે, કોઇપણ આધારવિના સમાજમાં તણાવ ફેલાવવા માટે ઇરાદાપૂર્વક અભિયાન શરૂ કરાયું છે. નરસંહારના નામે ઉશ્કેરણી વાણી સ્વાતંત્ર્ય નથી. તે કાયદો અને વ્યવસ્થા સાથે ધમકીરૂપ છે. સરકારે ટ્વિટર દ્વારા અપાયેલા જવાબોની સમીક્ષા કરી છે. જાહેર હિતમાં આ પ્રકારના ટ્વિટર એકાઉન્ટ બંધ કરીદેવા જરૂરી છે. ટ્વિટર આ હેશટેગ સાથે સંકળાયેલા ટ્વિટર હેન્ડલ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા જોઇએ.
પ્રજાસતાક દિવસે દિલ્હીમાં કિશાન ટ્રેકટર રેલી દરમિયાન હિંસા ફેલાઇ હતી તેના સંદર્ભમાં સરકારની કામગીરીમાં કોઇ દખલ કરવાનો સુપ્રિમ કોર્ટે ઇનકાર કર્યો હતો. દિલ્હીમાં હિંસાની તપાસ કરવાની માંગ કરતી અરજીઓ પર બુધવારે સુનાવણી કરતાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર આ બાબત પર ધ્યાન આપી રહીછે, આના માટે તમે સરકારને વિનંતી કરો.દેશના સર્વોચ્ચ ન્યાયધીશ એસ.એ.બોબડેએ આ અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે કામગીરી કરી રહી છે અને કાયદો તેનું કામ કરશે. મેં વડાપ્રધાનનું નિવેદન જોયું છે કે, આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. અમે દખલ કરવા માંગતાં નથી. તમે સરકારને વિનંતી કરી શકો છો. બીજી તરફ અનેક એફઆઇઆરનો સામનો કરી રહેલાં કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઇ સહિત પાંચ જર્નાલિસ્ટ પણ સુપ્રિમ કોર્ટના શરણે ગયા છે. દરમિયાન દિલ્હીમાં ખેડૂત પ્રદર્શનના કારણે દિલ્હીના સીમાડાના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે તેની સામે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ બુધવારે હરિયાણાના જિંદ જિલ્લામાં મહાપંચાયતમાં જતા પહેલાં નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર અમારી માગ નહીં સ્વીકારે તો અમે 40 લાખ ટ્રેક્ટર સાથે દેશભરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરીશું.
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ રાજા ભયભીત થઈ જાય છે ત્યારે તે કિલ્લેબંધી કરે છે. દિલ્હીમાં સડકો પર ખિલ્લા લગાવવામાં આવી રહ્યાં છે. જિંદમાં હજારો ખેડૂતોની મહાપંચાયતમાં સર્વસંમતિથી 3 વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો.
લાલ કિલ્લા ખાતે હિંસા કેસમાં આરોપી એવા પંજાબી એક્ટર દીપ સિદ્ધુ સહિત ચાર ઉપર દિલ્હી પોલીસે રૂપિયા એક લાખનું ઇનામ જાહેર કર્યું છે. તે ઉપરાંત દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આચરાયેલી હિંસામાં સામેલ જગબીરસિંહ, બુટાસિંહ, સુખદેવસિંહ અને ઇકબાલસિંહની માહિતી આપનારને રૂપિયા 50,000નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે હિંસામાં સંડોવાયેલા 12 આરોપીઓની તસવીરો જારી કરી છે. 5,000થી વધુ વીડિયોની મદદથી આ 12 વ્યક્તિઓની ઓળખ કરી હતી. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, લાલ કિલ્લાના લાહોરી ગેટ ખાતે ભીડને અંદર ઘૂસી જવા માટે ઉશ્કેરણી કરનાર વ્યક્તિની ઇકબાલસિંહ તરીકે ઓળખ કરાઇ છે.