જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા રાત્રિકફર્યૂના સમયમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. જામનગર શહેર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાતા કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ અને રાજ્ય સરકાર દ્વારા કરાતા આંકડાઓ વચ્ચે દરરોજ તફાવત જોવા મળે છે અને સરકારના આ બન્ને વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ નજરે ચડે છે.
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. છેલ્લાં બે સપ્તાહથી શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. તેમજ જિલ્લામાં પણ કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જાય છે. જેમાં જામનગર શહેરમાં બે સપ્તાહ પૂર્વે સામાન્ય કેસ નોંધાતા હતાં. જ્યારે શુક્રવારે વર્ષના અંતિમ દિવસે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14 સુધી પહોંચી ગઈ છે અને જામનગર જિલ્લામાં એક પણ પોઝિટિવ તંત્ર દ્વારા નોંધવામાં આવ્યો નથી. ત્યારે દુ:ખદ બાબત એ છે કે, જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા કોરોના પોઝિટિવ કેસના જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે અને તેની સામે રાજ્ય સરકાર દ્વારા દરરોજ જાહેર કરાતા કોરોના પોઝિટિવના આંકડાઓમાં જામનગરના આંકડાઓમાં જ તફાવત જોવા મળે છે. રાજ્ય સરકાર અને જામનગર વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ હોય અથવા તો અધિકારીઓની બેદરકારીના કારણે પ્રજા અસંમજસમાં મૂકાઈ જાય છે. કોના આંકડા સાચા છે ? તે કેમ નકકી કરવું ?
વર્ષ 2021 ના અંતિમ દિવસે જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં શહેરમાં કોરોનાના 14 પોઝિટિવ કેસ અને બે દર્દીઓ સાજા થયાનું જાહેર કરાયું હતું. જ્યારે જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કરાયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે સાંજે રાજ્યના કોરોના પોઝિટિવ કેસોના આંકડા જાહેર કરાયા હતાં. આ આંકડાઓમાં જામનગર મહાનગરપાલિકામાં 12 પોઝિટિવ કેસ અને જિલ્લામાં પાંચ પોઝિટિવ કેસ મળી કુલ 17 પોઝિટિવ કેસ જાહેર કરાયા છે. આમ બન્ને તંત્ર વચ્ચેના આંકડાઓમાં તફાવત જોવા મળે છે.