છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધમેર્ર્ન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આજથી તા. 8 મે સુધી પરમપૂજય રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભાગવત સપ્તાહની ઐતિહાસિક પોથી યાત્રા યોજાઇ હતી. સંતો-મહંતો તેમજ વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં આ પોથી યાત્રામાં જોડાયા હતા. જેમાં ખાસ કરીને નાસિક ઢોલ અને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવતી પુષ્પવર્ષા નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જામનગરના આંગણે અંદાજિત 12 વર્ષ બાદ પરમપૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઇ રહી છે. ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના ચેરમેન તેમજ પૂર્વ રાજયમંત્રી તથા જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) પરિવાર દ્વારા પ.પૂ. માતુશ્રી મનહરબા મેરૂભા જાડેજાની સ્મૃતિમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ધારાસભ્ય અને ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન હકુભાના નિવાસસ્થાન ખાતેથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં ધારાસભ્ય હકુભા તેમજ તેમના પત્ની પ્રફુલ્લાબા જાડેજા દ્વારા પોતાના મસ્તકે પોથી ઉંચકીને પોથીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ધારાસભ્યના નિવાસસ્થાનેથી 51 બાળાઓએ કુમ-કુમ તિલક કરી કળશ સાથે પોથીયાત્રાનો આરંભ કરાવ્યો હતો.
પોથીયાત્રામાં નાસિકના ઢોલ વાજતે-ગાજતે જોડાયા હતા. આ ઉપરાંત તાલાલા ગીર પંથકના સીદી બાદશાહનું ગુ્રપ પણ પોથીયાત્રામાં હિસ્સો બન્યું હતું. બ્રુકબ્રોન્ડ ગ્રાઉન્ડ નજીક આવેલ ધારાસભ્યના નિવાસસ્થાન ખાતેથી પ્રારંભ થયેલી પોથીયાત્રા જી.જી. હોસ્પિટલ, ગુરૂદ્વારા ચોકડી, ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. પોથીયાત્રાના માર્ગ પર વિવિધ ગરબા મંડળની રાસમંડળીઓ જોડાઇ હતી અને પોથીયાત્રાને ભકિતમય બનાવી હતી. આ ઉપરાંત પોથીયાત્રામાં મહાદેવ હર મિત્રમંડળની ટીમ પણ જોડાઇ હતી. મહાદેવ હર મિત્રમંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) તેમની સમગ્ર ટીમ સાથે ઘોડા ઉપર સાફા અને આકર્ષક પહેરવેશ તેમજ કેસરી ધ્વજા સાથે જોડાયા હતા.
આ ઉપરાંત અમદાવાદથી ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં યજમાન પરિવારના સભ્યોની ટીમ જોડાઇ આકાશમાંથી સમગ્ર પોથીયાત્રાના રૂટ ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી. જે નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડી.જે.ના તાલે પોથીયાત્રાની શરૂઆત બાદ 20 જેટલા ઘોડેસ્વારો, સંતો-મહંતોની બગીઓ, નાસિકના ઢોલ, સીદી બાદશાહનું નૃત્ય, જુદી-જુદી રાસમંડળીઓની સાથે રાજપૂત સમાજ ઉપરાંત અનેક સમાજના લોકો, આગેવાનો, રાજકીય આગેવાનો, પોથીયાત્રામાં જોડાયા હતા. પોથીયાત્રામાં રાજપૂત સમાજ, જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો. સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી, ફટાકડા ફોડી, પોથીયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પોથીયાત્રામાં કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલ્લાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા, જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પરમપૂજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, આણદાબાવા સેવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી સંપ્રદાયના વલ્લભરાય મહોદય, સ્વામી નારાયણ સંપ્રદાયના ચર્તુભુજદાસજી મહારાજ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, પ્રવિણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં આ પોથીયાત્રામાં જોડાયા હતા.