જામનગર શહેરમાં ગઇકાલે રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ પૂર્વે શનિવારે રાત્રીના સમયે ઓસમાણ મીરનો લોક ડાયરો યોજાયા બાદ ગઇકાલે રવિવારે બપોરે રઘુવંશી જ્ઞાતિનું સમુહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં રઘુવંશી જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમોનો લાભ લીધો હતો.
છોટીકાશી જેવું ધર્મ પારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ છેલ્લા 24 વર્ષથી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે 25માં વર્ષે રજત જયંતિ વર્ષ અંતર્ગત સંત શિરોમણી પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા શનિવારે રાત્રીના સમયે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાણીતા કલાકાર ઓસમાણ મીરના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટયા હતાં અને લોક ડાયરાનો આનંદ માણ્યો હતો.
આ લોક ડાયરામાં મેયર વિનોદભાઇ ખિમસુરીયા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણિયા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, સ્વામિનારાયણ સંપ્રદાયના ચર્તુભુજદાસસ્વામી, રઘુવંઘી અગ્રણીઓ વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, ચેતનભાઇ માધવાણી, ભરતભાઇ સુખપરીયા, પાર્થભાઇ સુખપરીયા, અશોકભાઇ લાલ, મિતેશ લાલ, કેયુરભાઈ દતાણી, એડવોકેટ નટુભાઈ બદિયાણી, ડો. દિપક ભગદે, ડો. ભાવિનભાઈ દત્તાણી, વિશ્ર્વાસભાઈ ઠકકર, બાદલભાઈ રાજાણી, દર્શનભાઇ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સાંસદ પૂનમબેન માડમ સહિતના દ્વારા ઓસમાણ મીરના સૂરમાં ગરબે ઘુમ્યા હતાં.
શનિવારે રાત્રીના સમયે લોક ડાયરો યોજાયા બાદ ગઇકાલે રવિવારે સવારે ગૌ-માતાને ઘાસ વિતરણ, થેલેસેમિયા પરિક્ષણ કેમ્પ, સારસ્વત જ્ઞાતિ સમુહ ભોજન, 80 વર્ષથી વધુ ઉંમરના રઘુવંશી વડીલોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા બાદ લોહાણા જ્ઞાતિનું સમુહ ભોજન યોજાયું હતું. જેમાં રઘુવંશી જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમની તૈયારી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના કાર્યકરો જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, ભરતભાઇ કાનાબાર, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ મોદી, અનિલભાઇ ગોકાણી, રાજેશભાઇ કોટેચા, રાજુભાઇ હિંડોચા, રાજુભાઇ મારફતિયા, નિલેશભાઇ છત્રાલ, અતુલભાઇ પોપટ, મિતેષભાઇ તન્ના, મધુભાઇ પાબારી સહિતના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. બપોરે જલારામબાપાની આરતી ઉતારી સમુહ મહાપ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.