શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે જામનગર સહિત હાલાર પંથકમાં આખો દિવસ શિવાલયોમાં ભાવિકોની ભીડ ઉમટી પડશે. ભોળાનાથને રિઝવવા માટે ભાવિકો દ્વારા પૂજન-અર્ચન, ધૂન-ભજન સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ શ્રાવણના સોમવાર નિમિત્તે શિવાલયોમાં શ્રૃંગાર દર્શનનું આયોજન પણ કરવામાં આવશે. શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં શિવાલયોમાં બમ-બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો. બે વર્ષ જેટલા કોરોનાકાળ બાદ કોરોનાનું સંક્રમણ ઘટતાં શિવભક્તો ભગવાન ભોળાનાથને રિઝવવા અધિરા બન્યા છે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય, શિવભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
શિવ ભકતોએ રૂદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હર હર મહાદેવના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના અનેક શિવાલયોમાં મહા આરતીની સાથે ઘંટારવ જોવા મળ્યો હતો. છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્ર્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્ર્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોમાં શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.
બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે દર્શનાર્થીઓને સંપૂર્ણપણે મુક્તિ મળી હોવાના કારણે શિવભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને શ્રાવણ માસનો પ્રથમ સોમવાર પ્રત્યેક શિવાલયોમાં હકીકતે શિવમય બનેલો જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયો ના દ્વારે ભીડ ન થાય, તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરે ને તૈનાતમાં મૂકી દેવાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયો ના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.