કોરોના કાળબાદ પ્રથમ વખત જ યોજાઇ રહેલી ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં શ્રધ્ધાળુઓનો મેરામણ ઉમટતાં ટ્રાફિક જામ સહિતની અવ્યવસ્થા સર્જાઇ છે. જેને કારણે યાત્રા માટે આવતાં શ્રધ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાંચ-છ કિલોમીટર લાંબા ટ્રાફિક જામને કારણે અસંખ્ય ગુજરાતી શ્રધ્ધાળુઓ પણ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાખંડ સરકાર શ્રધ્ધાળુઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા માટે કામે લાગી છે. શ્રધ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખી યાત્રાધામમાં સમય મર્યાદા અને સંખ્યા નિયંત્રિત કરવાની સરકારને ફરજ પડી છે. કેદારનાથ જતા ટ્રાફિકમાં લોકો ફસાયા છે. કેદારનાથ થી 30 કિલોમીટર પહેલા ટ્રાફિક જામમાં ફસાયા, ગુજરાત થી મોટા પ્રમાણ માં ગયા છે દર્શનાર્થીઓ. 5 થી 6 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ માં ગુજરાતી દર્શનાર્થીઓ ફસાયા છે. છેલ્લા 2 કલાક થી ટ્રાફિક હળવો થાય તેની દર્શનાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જો કે, આ સ્થાનિક વ્યવસાયો માટે સારા સમાચાર છે,
પરંતુ વહીવટતંત્રને વ્યવસ્થા જાળવી રાખવા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારસુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામ- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરી ચૂક્યા છે. 3 મેએ યાત્રા શરૂ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્યની પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઇપણ રજિસ્ટ્રેશન વગર મંદિરોમાં પ્રવેશ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથના ફોટોઝ અને વિડીયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કા-મુક્કી કરી રહ્યા છે.