ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મિડીયા પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ સહિતના મિડીયા વિભાગના સભ્યો તથા જામનગર શહેર અને જિલ્લા મિડીયા વિભાગની ટીમ દ્વારા ગઇકાલે ‘ખબર ગુજરાત’ની મુલાકાત લેવામાં આવી હતી અને વિકાસ અંગે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ તકે મિડીયા ટીમ દ્વારા બજેટ તથા વિકાસલક્ષી આયોજનો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલની સૂચનાથી ભારતીય જનતા પાર્ટીના મિડીયા વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી મિડીયા હાઉસમાં પત્રકારો સાથે વિકાસલક્ષી આયોજનો અંગે ચર્ચા કરવા આયોજન કરાયું છે. જેના ભાગરૂપે પ્રદેશ મિડીયા પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ દ્વારા ડાંગ, નર્મદા, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના પ્રવાસ કર્યા બાદ ગઇકાલે જામનગરના પ્રવાસે આવ્યા હતાં. આ દરમિયાન તેમણે ‘ખબર ગુજરાત’ની મુલાકાત લીધી હતી અને વિકાસલક્ષી આયોજનો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
તેમણે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ પત્રકારોના સૂચનો લેવાનો છે અને દરેક જિલ્લામાં પ્રદેશ પ્રવક્તા મિડીયા ટીમ સાથે પત્રકારોને મળવા જઇ રહી છે. છેલ્લા બે વર્ષ જેવા સમયથી કોરોના કાળને કારણે હ્યુમન ટચ દૂર થયો છે. પક્ષની કામગીરી તથા માહિતીઓ ઓનલાઇન પહોંચાડવામાં આવી રહી છે. આથી ભાજપા અને પત્રકારો સાથે કોમ્યુનિકેશન વધારવા માટે ભાજપ મિડીયા પ્રવક્તા અને મિડીયાની ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન જે તે શહેર-જિલ્લામાં લોકોના પ્રશ્ર્નો, વિકાસની જરૂરિયાતો અને વિકાસના આયોજનો તથા કાર્યક્રમો અંગે માહિતી મેળવવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ બજેટ તેમજ આગામી સમયમાં રજૂ થનાર રાજ્ય સરકારના બજેટ અંગે જરૂરી સૂચનો પણ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. તેમજ જામનગર શહેર-જિલ્લાની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
આ તકે ‘ખબર ગુજરાત’ના મેનેજિંગ તંત્રી નિલેશભાઇ ઉદાણી, નિવાસી તંત્રી નેમિષ મહેતાએ ‘ખબર ગુજરાત’ની મુલાકાતે પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપ મિડીયા પ્રવક્તા ડો. ઋત્વિજ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન મિડીયા ક્ધવીનર સુરેશભાઇ માંગુકીયા, પ્રદેશ ભાજપ મિડીયા કમિટી સભ્ય તથા જામનગર-દેવભૂમિ દ્વારકા મિડીયા કન્વીનર સુરેશભાઇ પરમાર, જામનગર જિલ્લા મિડીયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, જામનગર શહેર મિડીયા કન્વીનર ભાર્ગવભાઇ ઠાકર, જિલ્લા મિડીયા વિભાગના સહકન્વીનર બાવનજીભાઇ સાંગાણી, શહેર મિડીયા વિભાગના દિપાબેન સોની, વિજયસિંહ જાડેજા વગેરે સાથે મુલાકાત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી.