દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો તથા આચાર્ય સહિતના શૈક્ષણિક કર્મચારીઓના આશરે સાડા પાંચેક વર્ષ પૂર્વેના જી.પી.એફ. ની ત્રણ માસની રકમના રૂપિયા 43.44 લાખ હજુ સુધી જે-તે ખાતામાં જમા થયા નથી.
જી.પી.એફ. ની ઉપરોક્ત તોતિંગ રકમનો ચેક સાડા પાંચેક વર્ષ પૂર્વે ખોવાઈ જતાં શૈક્ષણિક સ્ટાફના ખાતામાં જમા ન થયો હોવાના મુદ્દે અગાઉ થયેલી લેખિત રજૂઆતો પછી દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્ય મહામંત્રી જગમાલભાઇ ભેટારીયા, કે.ડી. ગોકાણી સાથે જિલ્લા બિન શૈક્ષણિક કર્મચારી મંડળના પ્રમુખ ખીમભાઇ આંબલીયા વિગેરે ગાંધીનગર ગયા હતા.
આ શિક્ષણવિદો દ્વારા સંબંધિત વિભાગના વડાને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય પ્રમુખ આચાર્ય સંઘ ઉપરાંત પૂર્વ બોર્ડના સભ્યો સંચાલક મંડળ, શિક્ષણ સંઘના રાજ્ય પ્રમુખ વિગેરેને આ મુદ્દે રજૂઆત કરી હતી. તેઓ સાથે ખાસ જોડાયેલા જામનગર શિક્ષણ વિભાગના ડોડીયા, દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિમલભાઈ કિરતસાતા, અન્સારી વિગેરે સાથે જોડાયા હતા અને જી.પી.એફ.ના મુદ્દે સંબંધિત વિભાગ તથા રાજ્યના શિક્ષણ સચિવને રજૂઆત કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા પણ આ પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા. આ મહત્વના મુદ્દે રાજ્ય મંત્રી હકુભા જાડેજા સાથે પણ બેઠક યોજી અને શિક્ષકોના જીપીએફના પડતર પ્રશ્ને યોગ્ય નિરાકરણની ખાતરી રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવી હતી. આ સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લા આચાર્ય સંઘ દ્વારા રાજ્યના હોદ્દેદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શૈક્ષણિક કર્મચારીઓનીના જી.પી.એફ. ની રકમ ખાતામાં જમા ન થતા ફરિયાદ
દ્વારકા તથા જામનગર જિલ્લા શિક્ષણ સ્ટાફ સાથે મંડળના હોદ્દેદારો જોડાયા