સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી તા. 19 મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચની ચૂંટણી ઉપરાંત પેટા ચૂંટણી માટે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લાની કુલ સોળ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. જ્યારે સોમવારે ફોર્મ ચકાસણી બાદ આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના 17, ભાણવડ તાલુકાના 29, કલ્યાણપુર તાલુકાના 34 તથા દ્વારકા તાલુકાના 19 મળી કુલ 156 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કલ્યાણપુર તાલુકાના 10, ખંભાળિયાના 3, દ્વારકા તાલુકાના 3 અને ભાણવડ તાલુકાના બે મળી કુલ 18 ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી મળી કુલ 174 ગામોમાં આગામી તારીખ 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી સંદર્ભે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સક્રિય અને મજબૂત રીતે કામગીરી કરી રહ્યું છે. ગત શનિવાર તારીખ 4 ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી અંગેનું પ્રાથમિક ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જિલ્લાની કુલ 16 ગ્રામ પંચાયત સમરસ હોવાનું જાહેર થયું છે. જેમાં ખંભાળિયા તાલુકામાં દાત્રાણા, પરોડીયા, ભારા બેરાજા, માંઝા અને બજાણા ગ્રામ પંચાયત, ભાણવડ તાલુકામાં ઝરેરા, હાથલા, મોરઝર અને મોટા કાલાવડ ગ્રામ પંચાયત, કલ્યાણપુર તાલુકામાં ગાંગણી, ગોજીનેસ, રણજીતપુર, જોધપુર અને વીરપુર લુસારી ગ્રામ પંચાયત જ્યારે દ્વારકા તાલુકામાં ચરકલા અને કોરાળા ગ્રામ પંચાયત સમરસ બની છે. ખંભાળિયા તાલુકાની 74 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 74 અને સભ્યપદ માટે 298, ભાણવડ તાલુકાના 29 ગામોમાં સરપંચ માટે 18 અને સભ્યપદ માટે 79, કલ્યાણપુર તાલુકાનાં 34 ગામોમાં સરપંચ પદ માટે 30 અને સભ્યપદ માટે 156 જ્યારે દ્વારકા તાલુકામાં 19 ગામમાં સરપંચ પદ માટે 24 અને સભ્યપદ માટે 127 ફોર્મ શનિવાર સુધીમાં આવ્યા છે. આમ, જિલ્લામાં કુલ 156 બેઠકની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 146 અને સભ્યપદ માટે 660 ફોર્મ રજૂ થયા છે. આ ઉપરાંત પેટાચૂંટણીમાં જિલ્લાની કુલ 18 બેઠકો પૈકી સરપંચ પદ માટે માત્ર 5 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. આમ, જિલ્લાની કુલ 174 ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે આજે સોમવારે ફોર્મ ચકાસણી તથા આવતીકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. આ ચુંટણી સ્થાનીક ગ્રામ્ય કક્ષાએ ઉતેજનાસભર બની રહી છે.