દેવભૂમિ દ્વારકા તાલુકામાં આજરોજ સવારથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ બપોરના વધુ તીવ્ર બન્યો હતો અને માત્ર ચાર થી છ વાગ્યા સુધીના સમયગાળામાં ધોધમાર સાડા સાત ઈંચ (183 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે દ્વારકામાં આજે સાંજ સુધીમાં સવારના એ જ 239 મીલીમીટર જેટલું પાણી વરસે જતા દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આજના મુશળધાર વરસાદના પગલે દ્વારકાના ગુરુદ્વારા વિસ્તાર, ઇસ્કોન ગેટ, તોતાદ્રી મઠ સહિતના વિવિધ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સાંજે છએક વાગ્યા બાદ વરસાદનું જોર થોડું નબળું પડ્યું હતું. ભારે વરસાદના પગલે દરિયો પણ ગાંડોતુર થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ સાથે આજરોજ ખંભાળિયામાં પણ વ્યાપક મેઘ મહેર વરસી હતી અને દિવસ દરમિયાન ભારે ઝાપટાનો દૌર અવિરત રીતે ચાલુ રહેતા સવા પાંચ ઈંચ (130 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ સવારે 10 વાગ્યાથી નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને સાંજ સુધીમાં ચાર ઈંચ 100 મિલીમીટર પાણી પડી ગયું હતું. ભાણવડ પંથકમાં આજે કુલ દોઢ ઈંચ (36 મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.
આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 839 મિલીમીટર, દ્વારકામાં 634 મિલીમીટર, ભાણવડમાં 418 મિલીમીટર અને કલ્યાણપુરમાં 469 મિલીમીટર સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 24 ઈંચ જેટલો થવા પામ્યો છે.
આજના ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોની નદીઓ જાણે ગાંડીતૂર થઈ હોય તેવી તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ઘોડાપૂર આવ્યા હોય તેમ નદીઓ બે કાંઠે જોવા મળી હતી. આજના વરસાદથી જિલ્લાના મહત્વના એવા વેરાડી -1, મીણસાર (વા.) સિંચાઇ યોજના, વર્તુ -1 અને કબરકા નામના ચાર મોટા ડેમ છલકાઈ ગયા હતા.
ખંભાળિયા તેમજ દ્વારકા પંથકમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ નદીઓના ઘોડાપુર ગ્રામ્ય વિસ્તારોમાં ધસમસતા જોવા મળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે જળબંબાકાર જેવી પરિસ્થિતિ વચ્ચે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા. જેના પગલે વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકા-ભાટિયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર નદીઓમાં પુર વહેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આજે ખંભાળિયા તાલુકાના વડત્રા, સામોર, ભાણવડ તાલુકાના ગુંદા, નવાગામ કલ્યાણપુર તાલુકાના ભાટિયા, લાંબા, સતાપર સહિતના ગામડાઓમાં ચારથી છ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી જતા તમામ નાના જળ સ્ત્રોતો તરબતર બન્યા છે અને મોટા ડેમમાં ઘોડાપુર જેવી પાણીની આવક જોવા મળી હતી.
ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પણ આજના વરસાદથી આશરે ત્રણ ફૂટ નવા પાણીની આવક થતા ઘી ડેમની સપાટી ચૌદ ફૂટે પહોંચી છે. આજે સાંજથી વરસાદનું જોર હળવું પડ્યું હતું.