જામનગરમાં તાજેતરમાં મનિષ બુચ દ્વારા વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મના કેસમાં કડક કાર્યવાહીની માગ સાથે જામનગર એનએસયુઆઇના કાર્યકરો જામનગર આવેલા રાજ્યપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં રજૂઆત કરે તે પૂર્વે જ એનએસયુઆઇના કાર્યકરોની એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જામનગરમાં મનિષ બુચ દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કલંકિત ઘટના તાજેતરમાં સામે આવી હતી. ત્યારે આ કેસમાં મનિષ બુચ દ્વારા થયેલ ઘટના સંદર્ભે એનએસયુઆઇના કાર્યકરો દ્વારા જામનગરની મુલાકાતે આવેલા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવા આયુર્વેદ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતાં. મનિષ બુચ પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલ હોય અને છેલ્લા ઘણા વર્ષોથી લાખાબાવળની મિનાક્ષીબેન દવે કોલેજ, અક્ષરપ્રિત કોલેજ, દયામન કોલેજ અને એકેબીએફટી સ્કૂલના મહત્વના હોદ્ા પર ફરજ બજાવતાં હતાં. લાખાબાવળની સંસ્થામાં હાલ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ સામે પણ આ શિક્ષક દ્વારા ઇન્ટરનલ માર્કસ પેપરનો લોભ લાલચ અને ધમકી આપી વિદ્યાર્થીનીઓને પરેશાન કરવાના બનાવ બન્યા છે. ત્યારે લાખાબાવળની તમામ સંસ્થાઓમાં કમિટી બનાવી એકેડેમીક તપાસ કરાવવા અન કોલેજની તમામ વિદ્યાર્થીનીઓના નિવેદનો લેવા એનએસયુઆઇ દ્વારા માગણી કરાઇ છે.
જામનગરની આયુ. યુનિ.માં આવેલા રાજ્યપાલને આ અંગે એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહીલ અને એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા આવેદનપત્ર આપવા પહોંચ્યા હતાં. આવેદનપત્ર પાઠવે તે પૂર્વે જ એસઓજી દ્વારા તેમની અટકાયત કરાઇ હતી.


