જામનગર શહેર જિલ્લામાં આવેલી રેલવેની પડતર પડેલી જગ્યાઓ જામનગર જિલ્લાને લગત તંત્રને સોપવાની માંગ સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જામનગર રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલાં કોંગ્રેસના કાર્યકરોની ટીગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા અને શહેર વિસ્તારમાં પડતર પડેલી રેલવેની જગ્યા જામનગર જિલ્લાના લગત ગ્રામ પંચાયતને સોંપવા તેમજ શહેરીવિસ્તારમાં આવેલ જુનું રેલવે સ્ટેશન જામનગર મહાનગરપાલિકાને સોંપી ત્યાં ગાર્ડન તથા લાઇબ્રેરી, વોકિંગ ઝોન જેવી જામનગર જનતાને કામ આવે તેવી માંગણી કરાઇ છે. તેમજ રાજૂલા વિસ્તારની રેલવેની જગ્યા એમઓયુ થયા પછી પણ રાજૂલાની જનતાને જગ્યા મળી નથી. રાજૂલાના ધારાસભ્ય આજે 15 દિવસથી ધરણાં કરી લડત ચલાવે છે તો તાત્કાલીક આ જગ્યા રાજૂલાના વિકાસ માટે પાછી આપવા અને જોડિયા રેલવેની જગ્યા જોડિયા ગ્રામ પંચાયતને આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડિયા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી સહિતના કોંગ્રેસના કાર્યકરો હોદેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ કાર્યકરોની ટીગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.