જામનગર શહેરમાં ઢોરના આતંક નાથવામાં નિષ્ફળ મહાપાલિકાના અધિકારીઓ સામે વિપક્ષે આજે ડીએમસી કચેરી બહાર દેખાવો યોજ્યા હતાં. તેમજ મનુષ્યવધ અટકાવવામાં નિષ્ફળતાનો તંત્રને એવોર્ડ એનાયત કર્યો હતો.
જામનગર શહેરમાં રઝળતાં ઢોરને વધી રહેલા આતંક સામે જામનગર મહાપાલિકાની દિશા વગરની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડની આગેવાનીમાં વિપક્ષી સભ્યો તેમજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ડીએમસી કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ડીએમસી સામે ઢોરની સમસ્યાના ઉકેલમાં સદંતર નિષ્ફળતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રઝળતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. આ અંગે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં પણ અવાજ ઉઠાવવામાં આવે છે. છતાં સત્તાપક્ષ આ મુદ્દે જરાપણ ગંભીર હોય તેમ જણાતું નથી. વિપક્ષી રજૂઆતોનો બહુમતિના જોરે ઉલાળ્યો કરી દેવામાં આવે છે. બીજીતરફ શહેરની પ્રજાને રઝળતા ઢોરના હવાલે કરી સત્તાપક્ષ તેના પોતાના કાર્યક્રમોમાં જ મસ્ત છે. જેવા પદાધિકારીઓ તેવા અધિકારીઓની જેમ વહીવટી તંત્ર પણ કોઇપણ જાતના પગલાં લેતું નથી. એટલું જ નહીં ઢોર પકડવાના નાટક કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ડીએમસી કક્ષાના અધિકારી ઢોર મુદ્દે ઉઠા ભણાવતાં જણાઇ રહ્યાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક જામનગર શહેરની પ્રજાને ઢોરના આતંકમાંથી મુક્તિ અપાવવા વિપક્ષની માગ છે.
બીજીતરફ વિપક્ષના વિરોધ અને દેખાવો અંગે ડીએમસી એ.કે. વસ્તાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષી સભ્યો પણ ડબલ ઢોલકી વગાડી રહ્યાં છે. જ્યારે જામ્યુકોનું તત્ર રઝળતા ઢોર સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે કેટલાંક સભ્યો જ તેમાં રોળા નાખવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં ઢોર માલિકો સાથેની સાંઠગાંઠને કારણે જામ્યુકોની નક્કર અને કડક કાર્યવાહીમાં ક્યાંક અવરોધ ઉત્પન્ન કરે છે. તો કોઇ જગ્યાએ ભલામણો કરે છે. શહેરના તમામ લોકો, તમામ રાજકીય પક્ષો, તમામ કોર્પોરેટરો જો સાથ અને સહકાર આપે તો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.