જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયાને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી બાદ ચિત્ર સ્પષ્ટ થશે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ચૂકયો છે. ત્યારે જામનગર 77 ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇ કુંભરવડિયા ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ઉમેદવારની સાથે 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાના ઇન્ચાર્જ હારૂન પલેજા, ભીખુભાઇ વારોતરિયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચંદ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કલ્પેશ હડિયલ, પ્રાણજીવનભાઇ કુંડારિયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
77 જામનગર ગ્રામ્ય વિધાનસભાના ઇન્ચાર્જ જીવણભાઇ કુંભરવડિયા, છેલ્લા રપ વર્ષથી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહયા છે. તેઓ જાહેર જીવનમાં સક્રિય હોય પ્રચાર, પ્રસાર દરમ્યાન ઠેર-ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે. તેઓ છેલ્લા રપ વર્ષથી પંચાયતી રાજથી રાજકીય ક્ષેત્રે અગ્રેસર રહયા છે. તેમજ જિલ્લા સહકારી બેંકમાં ડાયરેકટર તરીકે પણ જવાબદારી સંભાળી રહયા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ સરકારે મોંઘવારી વધારી છે અને શિક્ષિત બેરોજગારો પણ વધ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સરકાર આવ્યા બાદ તેઓ ગેસના બાટલામાં પ00 રૂપિયા સુધીના ભાવો થશે તેમજ મેનીફેસ્ટોમાં જણાવ્યા અનુસારમાં ખેડૂતોને દેવા માફ કરવા માલધારી માટે લિટરે પાંચ રૂપિયા સબસીડી સહિતના મુદાઓનો અમલ કરશે.
તેમણે ભાજપા ઉપર પ્રહાર કરતાં જણવ્યું હતું કે, રાજય સરકારે કિસાન સહાય યોજનાના નામે માત્ર વચનો જ આપ્યા છે. જીએસટી લાગુ કરી વેપારીઓની કમ્મર ભાંગી નાખી છે. આ ભાજપ સરકારે પ્રજાએ માંગ્યું તે આપ્યું નથી અને માંગ્યા વગર નોટબંધી ઝીંકી દીધી હતી અને ગરીબોને બેહાલ કરી નાખ્યા હતા. શિક્ષિત બેરોજગારોને કરાર આધારિત નોકરીમાં માત્ર 8,000નો પગાર મળે છે અને શોષણ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પૂરતી સહાય મળતી નથી. પાક વિમો પણ પ્રશ્ર્ન છે તેમજ માછીમારોની સમસ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત જોડિયા ખાતે ખારાપાણીનું મીઠું કરવાનો પ્રોજેકટ પણ અધ્ધરતાલ થઇ ચૂકયો છે. આ અંગે ખાતમુહૂર્ત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો ત્યારે સરકારે પ્રોજેકટ પડતો મૂકયાનું જણાવ્યું હતું. આમ સરકાર ખાતમુહૂર્ત કર્યા બાદ પ્રોજેકટ પડતો મૂકી રહી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર અગાઉ ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ચૂંટણી લડયા હતા અને તે સમયના કોંગ્રેસના રાઘવજી પટેલ સામે હાર્યા હતા. ત્યારબાદ રાઘવજીભાઇએ પક્ષ પલ્ટો કર્યો ત્યારબાદ વલ્લભભાઇ ધારવીયા કોંગ્રેસમાંથી લડયા અને તેમણે પક્ષ પલ્ટો કર્યો છે.
ત્યારે પક્ષપલ્ટાના ઉમેદવારોની બદલે તેઓ વર્ષોથી કોંગ્રેસમાં હોય તેમને હાલમાં પ્રચારમાં પ્રચંડ જનસમર્થન મળી રહયું છે. જામનગર ગ્રામ્ય વિધાનસભાના મત વિસ્તારોમાં લોકો તેમને ભરપૂર આવકાર આપી રહયા છે. ખેડૂતોની જમીન માપણીમાં ભૂલોની સમસ્યા, પૂરતી સહાય ન મળવી સહિતના પ્રશ્ર્નોને લઇ હાલની સરકાર સામે ખેડૂતોમાં નારાજગી હોય ખેડૂત વર્ગ આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવી કોંગ્રેસને જંગી બહુમતિથી જીતાડશે તેમ તેમણે જણાવ્યું હતું. જામનગર ગ્રામ્યની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇને પ્રચંડ જનસમર્થન મળતાં જંગી બહુમતિથી વિજય નિશ્ર્ચિત જોવા મળી રહ્રયો છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી કાસમભાઇ ખફીએ પણ દાવેદારી કરી હતી પરંતુ તેમને ટિકીટ ન મળતાં કાસમભાઇ ખફીએ અન્ય પક્ષમાંથી દાવેદારી કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હાલમાં કાસમભાઇ ખફીને કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇના સમર્થન માટે સમજાવવામાં આવી રહયા છે અને તેમને આગામી 2024ની લોકસભાની સીટ આપવા મનાવવા પ્રયત્નો કરવામાં આવી રહયા છે. જેથી કોંગ્રેસ દ્વારા પ્રચંડ લોકસમર્થનને ધ્યાને લઇ આ બેઠક કબજે કરવા પ્રયાસો થઇ રહયા છે. હાલની સરકાર દ્વારા ગેસના બાટલા સહિતની મોંઘવારી વધી છે. પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્રયો છે. ત્યારે ગેસના બાટલામાં ભાવ ઘટાડો સહિતના મુદે કોંગ્રેસ દ્વારા પ્રચાર થઇ રહયો છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા થઇ રહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભુ જનસમર્થન મળી રહયું હોય. આગામી 8 ડિસેમ્બરે જામનગર ગ્રામ્ય બેઠકમાં પંજો જંગી બહુમતિથી ફરી વળે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.