દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ સામે આવેલા 80 વર્ષ જૂના હનુમાન મંદિરનું છ-સાત માસથી ર્જીણોધ્ધાર કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બુધવારે આ મંદિરને તોડી પાડવા માટે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ તંત્રએ પાડતોડ કામગીરી અટકાવતા મામલો થાળે પડયો હતો.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે ટાટા કેમિકલ્સ ગેટ ની સામે 80 વર્ષ જૂના હનુમાન મંદિરનું મંદિર કમિટી દ્વારા છેલ્લા છ-સાત માસથી ર્જીણોધ્ધાર કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર અને ધાર્મિક ભાવના જગાડનાર મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યારે બુધવારે સરકારી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મંદિરને તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ અને સરકારી તંત્ર મંદિરે પહોંચતા મંદિર કમિટી અને રામ ભક્તો એકઠા થઇ ગયા હતા. થોડીવાર વાતાવરણ તંગ બન્યું હતું અને જયશ્રી રામના નારા લાગ્યા હતા પરંતુ મંદિર કમિટીના સભ્યો એ મંદિર અંગે સમજાવટ ભરી રજૂઆત કરી હતી અને આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેકે મંદિર અંગે સફળ રજૂઆત કરતા હાલ પૂરતો આ મામલો થાળે પડ્યો હતો. આ અંગે મંદિર કમિટીના સભ્યો કમલેશ પારેખ, રામભા જગતિયા, ગોવિંદભાઈ અસવાર તેમજ ઓખા નગરપાલિકાના સદસ્ય હાડાભા માણેક અને સામાજિક કાર્યકર ખેંગારભા માણેક સહિતના આગેવાનોએ દ્વારકા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને મંદિર જુનું હોવાનું અને તેનો ર્જીણોધ્ધાર કાર્ય થઇ રહ્યું હોવાનું જણાવીને વ્યવસ્થિત રજૂઆત કરી હતી. જ્યારે સામે પક્ષે સરકારી અધિકારીઓ તરફથી પણ સકારાત્મક જવાબ મળ્યા હતા. ટૂંકમાં મંદિરનો ર્જીણોધ્ધાર ચાલુ છે અને હાલ પૂરતો આ મામલો શાંત પડી ગયો છે.