જામનગરમાં જુની આરટીઓ કચેરીએથી પ્રદર્શન ગ્રાઉન્ડે જોડતાં ડીપી માર્ગના નિર્માણ માટે અહીં આવેલા વર્ષો જુના જંગલેશ્વર મહાદેવ મંદિરનું જામ્યુકોના તંત્ર દ્વારા આજે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આજે શ્રાવણ માસના પહેલા જ દિવસે મહાદેવ મંદિરનું ડિમોલિશન કરવામાં આવતા શ્રધ્ધાળુઓમાં થોડી કચવાટની લાગણી પ્રસરી છે. અલબત્ત અન્ય જગ્યાએ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ મહાદેવ મંદિરના ડિમોલિશનના ટાઇમીંગને લઇને કચવાટ ફેલાયો છે. શિવભકતો અને શ્રધ્ધાળુઓનું માનવું છે કે, મંદિર હટાવવાનું ઘણા સમયથી નકકી જ હતું. તો શ્રાવણ માસ શરૂ થયા પહેલાં મંદિરનું ડિમોલિશન કરી લેવાની જરૂર હતી. પરંતુ આજે જયારે શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થયો છે. ત્યારે પ્રારંભે જ શિવ મંદિરનું ડિમોલિશન દુ:ખ પહોંચાડનારું છે. સમયની સાથે વિકાસની પ્રક્રિયા પણ જરૂરી છે. સર્જન અને વિસર્જન ચાલતું રહે છે. વિકાસ સામે કોઇ વિરોધ હોય શકે નહીં. ધાર્મિક આસ્થા સાથે જનહિતમાં લોકસુવિધા પણ જરૂરી છે.ત્યારે લોકોનું માનવું છે કે, જામ્યુકોના સત્તાધિશો થોડુંક આગોતરૂં આયોજન કરીને આજે ઉભી થયેલી ભકતોની ધાર્મિક આસ્થાને થોડી ઠેસ પહોંચાડનારી પરિસ્થિતિ નિવારી શકયા હોત.


