જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારતરત્નનું રાષ્ટ્રિય સન્માન આપવાની માંગણી સાથે જામનગર લોહાણા મહાજન સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દેશની સ્વતંત્રતા પછીના ઇતિહાસમાં કેન્દ્રસરકારેે અનેક મહાનુભાવોને તેમની દેશસેવાને લક્ષ્યમાં લઇને મરણોત્તર રાષ્ટ્રિય સન્માન આપ્યું છે. ત્યારે નવાનગર (જામનગર) સ્ટેટના રાજવી અને પ્રિન્સલી સ્ટેટના વડા જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાને મરણોત્તર ભારતરત્ન આપવા આવેદનપત્રમાં માંગણી કરાઇ છે.
આ આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, પોલેન્ડમાં ગુડ મહારાજા નામની સ્ટ્રીટ આવેલી છે. આ ઉપરાંત ઈઝરાયેલમાં પણ બાળકોના વૃંદ વચ્ચે મહારાજા જામસાહેબનું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોલેન્ડની મુલાકાત સમયે તે સ્થળના દર્શન કર્યા હતા. આથી જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારતરત્ન આપવાની માંગણી સાથે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ મોદી, અગ્રણી જીતુભાઇ લાલ સહિતનાઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. આ તકે વિવિધ જ્ઞાતિના હોદેદારો-અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


