દિવાળીના તહેવારો દરમ્યાન જામનગર શહેરમાં રાત્રિ દરમ્યાન દુકાનો બંધ નહીં કરાવવા જામનગર વેપારી મહામંડળ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી શહેરની દુકાનો બંધ નહીં કરાવવા માટે પોલીસને સૂચના આપવામાં આવે તેમને કહ્યું કે, તહેવારો દરમ્યાન વેપારીઓ મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખે છે. એટલું જ નહીં આ સમયગાળા દરમ્યાન વેપારીઓ દુકાનો, ગોડાઉન, ઓફિસ વગેરેની સાફ-સફાઇ અને રંગરોગાન પણ કરતાં હોય છે. જેને કારણે માલસામાનની હેરફેર કરવા દુકાનો ખુલ્લી રાખવી પડે છે. આમેય રાજય સરકાર દ્વારા રાત્રે બાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પહેલેથી જ છૂટ આપવામાં આવી છે. ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા રાત્રે વેપારીઓની દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે. તહેવારો દરમ્યાન પોલીસ વેપારીઓની દુકાન બંધ ન કરાવે તેવી સૂચના આપવા માટે જામનગર શહેરના તમામ વેપારીઓ વતી વેપારી મહામંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.