જામનગરમાં મોટરકાર દ્વારા સ્કુટી લઇને જતી યુવતીને હડફેટે લઇ ગંભીર ઈજા પહોંચાડી હોય અને કારચાલક નાશી ગયો હોય આ અંગે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી કારચાલક વિરૂધ્ધ પગલાં લેવાની માંગ સાથે ભોય સમાજ દ્વારા જિલ્લા પોલીસવડા કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ગત તા. 18 ઓકટોબરના રોજ તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામની યુવતી પોતાનું સ્કુટી પેપ વાહન લઇ ગુલાબનગર તરફ જઈ રહયા હતાં ત્યારે સુભાષબ્રીજ પાસે જીજે-10-બીઆર-4561 ના મોટરકારચાલકે યુવતીને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને કારચાલક નાશી છૂટયો હતો. આ અકસ્માતને કારણે તૃષાબેનને માથામાં હેમરેજ થયું હોય હોસ્પિટલમાં જિંદગીની લડાઈમાં ઝઝુમી રહ્યા છે અને તેમને પાંચ વર્ષનું સંતાન પણ હોય પરિવાર પર મુસીબત આવી છે. ત્યારે આ અંગે મોટરકાર ચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભોય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી કડક પગલાં લેવા માંગ કરાઇ હતી.
આ તકે પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર પાર્થ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.