જામનગરમાં પ્રિ-મોન્સુન કામગીરીની નબળી કામગીરી અંગે વિરોધ દર્શાવી રોડ-રસ્તામાં પડેલા ગાબડા તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરવા તથા પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મિડીયા ડિપાર્ટમેન્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ વરસાદી માહોલ હોય, સમગ્ર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં તંત્રએ ઉદાસિનતા દાખવી હોવાના કારણે વરસાદી પાણીના ભરાવા થવાથી સમગ્ર શહેરમાં ઠેર-ઠેર રોડ-રસ્તામાં ખાડા પડી ગયા છે.
જેથી લોકોને બિસ્માર રોડ-રસ્તામાં વાહન ચલાવવામાં હાડમારી ભોગવવી પડી રહી છે. તેમજ લોકો ખાડા તથા કાદવ-કિચડ, ગંદકી જેવી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આથી આ ખાડાઓ બુરવા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી રોડ-રસ્તાઓની મરામત કામગીરી કરવા માંગણી કરવામાં આવી છે.