જામનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત પાનવાળા આરોગ્ય કેન્દ્ર પુન: કાર્યરત કરવા તેમજ કોરોનાની વેક્સિન ચાલુ કરવા વોર્ડ નં. 12ના કોર્પોરેટર અને પુર્વ વિપક્ષી નેતા અસ્લમ ખિલજી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યું છે કે, મ્યુ. કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્ર વોર્ડ નં. 12 પટ્ટણીવાડ વિસ્તાર જેનું નામ પાનવાળા આરોગ્ય કેન્દ્ર છે. તે છેલ્લા 25 વર્ષથી કાર્યરત હતું. ત્યાં દરરોજ આશરે 200 થી 250 ગરીબ દર્દીઓ આરોગ્ય સારવાર માટે આવતાં હતાં. ઉપરાંત વોર્ડ નં. 10 અને 11ના લોકો પણ આ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવતાં હતાં.
હાલમાં આ આરોગ્ય કેન્દ્ર સજુબા ક્ધયા શાળા પાસે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યાં સારવાર મેળવવા માટે લોકોને રૂા. 30 થી વધુ રીક્ષાભાડુ ચૂકવવું પડે છે. આમ ગરીબ દર્દીઓને અવર-જવર માટે રૂા. 60નો ખર્ચ થાય છે. તો ગરીબ દર્દીઓ કેવી રીતે સારવાર મેળવવા ત્યાં પહોંચી શકે તેમજ મોટી ઉંમરના દર્દીઓને પણ સારવાર મેળવવી દૂર પડી જાય છે. આરોગ્ય કેન્દ્ર ચાલુ થયું છે. તે સારી બાબત છે. પણ એક આરોગ્ય કેન્દ્ર બંધ કરી ગરીબ દર્દીઓ નજીકની સેવાથી વંચિત રહે છે. આ અંગે છેલ્લા 6 માસથી અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આરોગ્ય શાખા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોય. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આઠ દિવસમાં પાનવાળા આરોગ્ય કેન્દ્ર શરુ નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
આ ઉપરાંત હાલમાં દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યો સાથે દેશમાં કોરોનાનો હાહાકાર અને ભયનો માહોલ હોય તેમાં ગુજરાત પણ બાદ ન હોય. જામનગર શહેરમાં હાલ કોરોનાની વેક્સિન પણ ન હોય, લોકો વેક્સિન લેવા માટે આરોગ્ય કેન્દ્રના ધક્કા ખાતા હોય. આ અંગે પણ કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.


