રાજ્યમાં ઝડપભેર વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણકાર્ય બંધ કરવા માટે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.
શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી મનોજ પટેલ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયા અનુસાર રાજ્ય તેમજ દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે દેશના અનેક રાજ્યોમાં ઓફ લાઇન પ્રાથમિક શિક્ષણ સ્થગિત કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના શહેરી વિસ્તારોમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે. તે જોતાં પ્રાથમિક શાળાના બાળકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરી શકે નહીં. પરિણામે બાળકો ઝડપથી સંક્રમિત બને છે. આ સ્થિતિમાં શાળાના બાળકો અને શિક્ષકોના સ્થાસ્થ્યને ધ્યાનમાં રાખી 10 જાન્યુઆરીથી પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઇન શિક્ષણ કાર્ય સ્થગિત કરવુ જરૂરી બન્યું છે.