જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે તથા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદથી ઓવરફલો થયેલા ડેમોનું પાણી શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતાં. જેના કારણે શહેરના અસંખ્ય ઘોરમાં પાંચ થી સાત ફૂટ જેટલું પાણી ભરાયું હતું તેમાં પણ ખાસ કરીને વોર્ડ નં.4 ના મોટાભાગના વિસ્તારોમાં આ પાણીના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા મહિલા કોર્પોરટર દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજયમાં છેલ્લાં એક સપ્તાહથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં માલમિલકતને મોટું નુકસાન થયું છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લાં એક સપ્તાહ દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે અનેક ડેમો ઓવરફલો થયા હતાં. ઓવરફલો થયેલા ડેમોના તથા વરસાદના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા હતાં. તેમાં વોર્ડ નં.4 ના ગરીબ અને સ્લમ વિસ્તારોમાં વરસાદને કારણે માલમિલ્કતને મોટું નુકસાન થયું છે તેમજ આ વોર્ડમાં ભીમવાસ, આનંદ સોસાયટી, ખડખડનગર, વિનાયક પાર્ક, દ્વારકેશ પાર્ક જેવા અનેક વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે. વહીવટી તંત્ર દ્વારા આ નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી તેમ છતાં સરકારના હિસાબે આ સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઇ હોવાનું જણાવ્યું હતું.
આ મામલે વોર્ડ નં.4 ના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા, પૂર્વ વિરોધ પક્ષ નેતા વકીલ આનંદ ગોહિલ અને સુભાષ ગુજરાતી સહિતનાઓ દ્વારા આજે કલેકટર ડો. સૌરભ પારઘીને આ વિસ્તારોમાં નુકસાની અંગેનો તટસ્થ સર્વે કામગીરી કરાવવા અને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્તોને સહાય આપવા માંગણી કરી હતી.