ડીસીસી કંપનીના છૂટા કરાયેલ કામદારોને તાત્કાલિક ન્યાય અપાવવા જામનગર જિલ્લા યુથ કોંગે્રસ પ્રમુખ લક્કીરાજસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેકટર મારફત જામનગર ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર તાલુકાના સીક્કામાં આવેલ દિગ્વીજય સિમેન્ટ કંપની દ્વારા તા.16/10/2023થી કોઇપણ કારણદર્શક નોટિસ આપ્યા વિના કામદારોને કામ ઉપરથી કાઢી મૂકયા છે આ અંગે કામદારો દ્વારા કલેકટર તથા એસ.પી. ને તેમજ ડીસીસી કંપનીના અનેક વખત રજુઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઇ નિરાકરણ ન આવતા આ કામદારો તા.20/11/2023 થી સીક્કામા આમરણાંત ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. તેમ છતાં હજુ સુધી કામદારોના પ્રશ્ર્નોનો નિકાલ આવ્યો નથી. આથી કામદારોના હકકની માંગણી સંબંધે તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે.
તેમજ આમરણાંત ઉપવાસ ઉપર બેસેલા કામદારોમાંથી કોઇપણ કામદારને કાંઈપણ થશે તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને અને સચિવાલયમાં એક હજારથી વધુ લોકો સાથે આંદોલન કરવા તથા તા.29 સુધીમાં કોઇપણ જાતનો નિર્ણય લેવામાં નહીં આવે તો સચિવાલયનો ઘેરાવ કરવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે.