જામનગર શહેર/જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે વાલ્મિકી વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસવાથી ઘણું નુકસાન થયું હોય તેનું સર્વે કરી નુકસાનનું વળતર આપવા રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેર/જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે શહેર/જિલ્લામાં ઘણી તારાજી થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ અતિવૃષ્ટિને કારણે જામનગરની મુલાકાત લઇ અને નિરીક્ષણ કર્યુ હતું. જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગના વાલ્મિકી વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. જેને કારણે તે લોકો વધારે અસરગ્રસ્ત થયા છે. વોર્ડ નં.4માં નવાગામ ઘેડ વિસ્તારમાં નાઘેરવાસ, કબીરનગર, રસાલા, મધુરમ, ખોડિયારનગર, વિમલ પાર્ક, ઈન્દીરા સોસાયટી, વોર્ડ નં.2 માં રામેશ્ર્વરનગર, ક્રિષ્નાપાર્ક, વેદમાતા સ્કૂલ પાસે વાલ્મિકી વિસ્તાર, વોર્ડ નં.10 માં મોટી આશાપુરા વાલ્મિકી વિસ્તાર, વોર્ડ નં.16 માં મહાવીરનગર, પટેલનગર, ભગવતી વાલ્મિકી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઘરમાં પાણી જવાથી લોકોના ઘરની ઘરવખરી, અનાજ, ફર્નિચર તેમજ ઈલેકટ્રોનિક સામાન નષ્ટ પામી સાથે સાથે ઈલેકટ્રોનિક ઉપકરણમાં ટીવી, પંખા, ફ્રિજ, વોશિંગ મશીન, સબમર્શિબલ, પંપ, પાણીની મોટર તેમજ કપડાં, ગાદલા, ગોદડા જેવી વસ્તુને નુકસાન થયું છે. આથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા વાલ્મિકી સમાજ પરિવારનું ઘરનું સર્વે થાય અને વહેલીતકે સહાય મળે તે માટે કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે
અતિવૃષ્ટિમાં વાલ્મિકી સમાજના ઘરોમાં થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય આપવા માંગ
રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ ચેરમેન દ્વારા કલેક્ટરને પત્ર લખી રજૂઆત