જામનગરમાં પીજીવીસીએલ દ્વારા મંજૂરી વગર રસ્તાનું ખોદકામ કરવામાં આવતું હોય, આ અંગે કડક કાર્યવાહી કરવા જામનગર વોર્ડ નં. 9ના કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં. પમાં સત્યસાઇ સ્કૂલની સામે પીજીવીસીએલ દ્વારા રસ્તો ખોદી કેબલ બદલવાનું કામ ચાલુ કર્યું છે. આ કામગીરી મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર શરુ કરી દીધી હોય, આ અંગે સ્થળ પર કામ કરતાં અને રોડનું ખોદાણ કરતાં વ્યક્તિ સાથે કોર્પોરેટર દ્વારા પૂછપરછ કરતાં તેઓએ આ અંગે મહાનગરપાલિકા પાસે કોઇપણ જાતની મંજૂરી લીધી ન હોય તેવું જણાવ્યું હતું. તેમજ આ અંગે કોર્પોરેટર દ્વારા સિવિલ શાખાના અધિકારી સાથે પણ આ અંગે ટેલિફોનિક ચર્ચા કરતાં આ અંગે પીજીવીસીએલને કોઇ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું હતું. આથી પીજીવીસીએલ દ્વારા મનફાવે તેમ રોડનું ખોદાણ કરતાં હોય, આ અંગે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા નિલેશભાઇએ પત્ર દ્વારા રજૂઆત કરી છે.