જામનગર મહાનગરપાલિકાની સ્ટે. કમિટીમાં રજૂ થયેલ બજેટમાં વેરા વધારો ઝિંકવામાં આવ્યો હોય તે પાછો ખેંચવા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા દ્વારા સ્ટે. કમિટી ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી છે. તેમજ તેમણે આ બજેટમાં જાહેર થયેલ નવી યોજનાઓને મુંગેરલાલના સપના જેવી બતાવી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાનું 2023-24નું બજેટ જે સ્ટે. કમિટીમાં રજૂ થયું છે. ત્યારે તેમાં રૂા. 53 કરોડના અસહ્ય વેરા ગરીબ લોકો ઉપર ઝિંકી દેવામાં આવ્યા છે. પ્રોપર્ટી ટેક્ષમાં 32 કરોડ અને પાણી વેરામાં 6 કરોડ વધારો ઝિંકાયો છે. તે ગરીબો માટે અસહ્ય છે. ગરીબો માટે આ પ્રકારના વેરા યોગ્ય નથી. ઉપરાંત જે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. તે પણ મુંગેરી લાલના સપના જેવી છે. તેમ જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતાએ આ વેરા તાત્કાલિક પાછા ખેંચવાની માગણી કરી છે. વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન પાણી આપતી નથી માંડ-માંડ 140 દિવસ પાણી આપવામાં આવે છે અને 365 દિવસનો વેરો વસુલ કરવામાં આવે છે. કોર્પોરેશન જુની યોજનાઓ પુરી કરતી નથી છેલ્લા 4 વર્ષથી સ્પોટ કોમ્પ્લેક્ષની વાતો થઇ રહી છે. તેમજ એનિમલ હોસ્ટેલની વાતો પણ લાંબા સમયથી ચાલી રહી હતી. હજૂ સુધી ટાગોર હોલ અને સાયન્સ સીટીની વાતો હવામાં જ છે. ત્યારે જુની યોજનાઓમાં ઝડપથી કામ થતું નથી અને નવી યોજનાઓ બજેટમાં લાવીને મુંગેરીલાલના સપના બનાવ લોકોને ગુમરાહ કરવામાં આવે છે. જુની ટીપી સ્કીમમાં હજૂ લોકોને સુવિધા મળતી નથી. ત્યાં નવી ટીપી સ્કીમ લાગ્યા તે સારી વાત છે શહેરનો ઝડપથી વિકાસ થાય તે અમે ઇચ્છીએ છીએ પરંતુ યોગ્ય આયોજનના અભાવે શહેરીજનોને યોગ્ય સુવિધા મળતી નથી.