કોરોનાનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક આવી રહ્યા છે. સતત વધતા કેસના કારણે હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. સરકાર દ્વારા સંચાલીત સિવિલ હોસ્પિટલમાં લાંબુ વેઇટીંગ આવી રહયું છે એવા સમયે ગરીબ દર્દીઓને ખાનગીમાં સારવાર કરવી પરવડે એમ નથી. પરંતુ હવે ગરીબ દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ શકશે. મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ દ્વારા કોરોનાના ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર મેળવી શકશે.
કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી(પીઆઇએલ) નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારના સમાચારથી કોરોનાની ગરીબ દર્દીઓને આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડમાં કોરોનાની સારવાર અંગે સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિયા સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે.
સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડવા પર કોઈ પણ હોસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં હોટલો, હોસ્ટેલો તથા કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર્સમાં બદલવામાં આવી રહ્યા છે જેથી અસિમ્પ્ટોમેટિક અને હળવા લક્ષણોવાળા દર્દીઓને ત્યાં રાખી શકાય.
નોંધનીય છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિઆની બેંચે 12 એપ્રિલે’ સુઓમોટો હેઠળ નોંધેલી pilની સુનાવણી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે, રાજય સરકારની આ વ્યવસ્થા અંગે નેશનલ હેલ્પ લાઇન 1075 પાસે કોઇ માહિતી ઉપલબ્ધ નથી. આ અંગે ‘ખબર ગુજરાત’ દ્વારા ડેપ્યૂટી મ્યૂ. કમિશનર એ.કે.વસ્તાણીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ, જણાવ્યું હતું કે, જામનગરમાં આ પ્રકારની હોસ્પિટલોના નામો હજૂ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આગામી બેઠકમાં વિચારણા કરવામાં આવશે.