ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણીના પુત્રનું ગત સાંજે વીજશોક લાગવાના કારણે અકસ્માતે મૃત્યુના થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલી મહાપ્રભુજીની બેઠક પાસેના શ્રીજી સાનિધ્ય ખાતે રહેતા લાલજીભાઈ સવજીભાઈ વઘાડિયા (કોમેટવારા)ના નાના પુત્ર ભરતભાઈ ગઈકાલે રવિવારે સાંજે તેમની જ્ઞાતિની વાડીમાં એક કામગીરી કરી અને અહીંથી લોખંડની એક ફોલ્ડિંગ સીડી બેઠક રોડ ઉપર રહેતા એક આસામીના ત્યાં મૂકવા ગયા હતા. આ ઘરની અગાસી ઉપર આ લોખંડની સીડી મૂકતી વખતે તેનો એક છેડો નજીકથી પસાર થતાં ઈલેક્ટ્રીકના હાઈટેન્શન વાયરને અડકી જતા ભરતભાઈને જોરદાર વિજ કરંટ લાગતા મૂર્છિત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. યુવાનના અકાળે અવસાનના આ બનાવથી ગુર્જર સુતાર જ્ઞાતિ સાથે સમગ્ર શહેરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.