ખંભાળિયાના પાદરમાં ગતરાત્રિના સમયે બાઈક પર જઈ રહેલા અહીંના એક જાણીતા વેપારી યુવાનને પુરપાટ જતી એક મોટરકારના ચાલકે અડફેટે લઈ, આ શખ્સ નાસી છૂટ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
ખંભાળિયા પંથકમાં અરેરાટીજનક આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં જૂની મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા અને અત્રે કાનજી ચતુ ધર્મશાળા પાસે દુકાન ધરાવતા અપરણિત એવા કિર્તીભાઈ રમણીકભાઈ બારાઈ નામના 42 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 એલ 8886 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસી અને જમવા જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના સમયે ગંગા જમના હોટલ પાસેથી પસાર થતી વખતે આ માર્ગ પર આવી રહેલી એક મોટરકારના ચાલકે કિર્તીભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર અડફેટે લીધું હતું. મોટરકારની આ ઠોકરથી કિર્તીભાઈ બારાઈ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા આ બાબતે ઇમર્જન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. પરંતુ કિર્તીભાઈ આ સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.
અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. પરંતુ ઘટના સ્થળે આ અકસ્માતગ્રસ્ત કારના નંબર સહિતના કેટલાક ભાગો મળી આવતા પોલીસે આ દિશામાં પણ તપાસ આરંભી છે. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના મોટાભાઈ જીતેન્દ્રભાઈ રસિકલાલ બારાઈ (ઉ.વ. 50) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે. આ બનાવે રઘુવંશી સમાજ સાથે શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.