લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામની સીમમાં આવેલા તળાવના પાણીમાં ડૂબી જતાં સુરતના પ્રૌઢનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સીડી પરથી પટકાતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા બલુભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ.53) (રહે. નવી ગીરનાર, જી. સુરત) નામના પ્રૌઢ બે-ત્રણ દિવસથી ભારે વરસાદ હોય અને પન્ના નદીના તળાવમાં પૂર આવેલા હોય તે દરમિયાન પ્રૌઢ કોઇ કારણસર તળાવના પાણીમાં ડૂબી જતાં તેનો મૃતદેહ તણાઈને કાંઠે આવી ગયો હતો. આ અંગેની રાજશી કરમુર દ્વારા જાણ કરાતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં રહેતો સાલેમામદ હારુન લાડક (ઉ.વ.45) નામનો યુવાન ગત મંગળવારે સાંજના સમયે દરેડ જીઆઈડીસીમાં આવેલા સેનોર કારખાનામાં સીડી પરથી ઉતરતો હતો તે દરમિયાન અકસ્માતે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર સુલતાન દ્વારા જાણ કરાતા હેકો આર.ડી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.