Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસસરાના ઘરે સંક્રાંત ઉજવવા ગયેલા યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત

સસરાના ઘરે સંક્રાંત ઉજવવા ગયેલા યુવાનનું બેશુદ્ધ થઈ જતાં મોત

પરિવારમાં શોકનું મોજું : નવાગામમાં વેપારી યુવાનનો હૃદયરોગના હુમલાથી મૃત્યુ : મોટીખાવડીમાં નિંદ્રાધિન વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાન તેના પરિવાર સાથે મોડપર ગામમાં સાસરે તહેવાર કરવા ગયા હતાં તે દરમિયાન ચકકર આવતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં આધેડ તેના ઘરે બેશુધ્ધ થઈ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું. જામનગરના મોટી ખાવડી ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વૃધ્ધ નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં યુવા વર્ગના વ્યક્તિઓને હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને ખાસ કરીને 25 થી 40 વર્ષના યુવાનોનો ભોગ વધુ લેવાઈ છે. જો કે, આ હુમલાના કારણો અનેક હોય શકે છે. પરંતુ મોત નિપજવાની ઘટના વિશે ગંભીર રીતે વિચારણા અને સ્વાસ્થ્ય માટે જાગૃત્ત થવું જરૂરી બની ગયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં જુદા જુદા ત્રણ બનાવોમાં હૃદયરોગના હુમલાથી મોત નિપજયાની ઘટનાઓ બની છે. જેમાં પ્રથમ બનાવ જામનગર શહેરના શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતાં જીતેન્દ્રભાઈ રણછોડભાઈ સીતાપરા (ઉ.વ.40) નામના ડ્રાઈવિંગ કરતા યુવાન રવિવારે મકરસંક્રાંતિનો તહેવારની ઉજવણી કરવા માટે મેઘપર નજીક આવેલા મોડપર ગામે તેના સસરાને ત્યાં ગયા હતાં. મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી દરમિયાન જીતેન્દ્રભાઈને સવારે 11 વાગ્યે એકાએક ચકકર આવતા પડી જતાં શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. યુવાનનું તેના સસરાના ઘરે મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની મૃતકના પત્નિ કમળાબેન દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં મુકેશભાઈ વલ્લભભાઈ અકબરી (ઉ.વ.48) નામના વેપારી યુવાન સોમવારે સવારના સમયે તેના ઘરે હતાં તે દરમિયાન એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ વેપારી યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ભાવેશ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ટાઉનશીપ વિસ્તારમાં સેકટર 22 માં રહેતાં હર્બનસિંઘ સ્વરણસિંઘ સિંઘ (ઉ.વ.67) નામના નિવૃત્ત વૃધ્ધ રવિવારે રાત્રિના સમયે જમીન નિંદ્રાધિન થયા બાદ સોમવારે સવારે નહીં ઉઠતા તેને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર હરપાલસિંઘ દ્વારા જાણ કરાતા હેકો એલ. જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular