વિશ્વભરના દાઉદી વોહરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સમ્માનિત કર્યા છે. તે આ સન્માન મેળવનારા ચોથા ભારતીય બન્યા છે. આ સમ્માન તે લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તર પર નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા બતાવી હોય. માનવીય કાર્યો માટે પણ આ સમ્માન આપવામાં આવે છે.
પાકિસ્તાને આ સમ્માન 1990માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ, 1998માં એક્ટર દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને આપ્યુ હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ડો. સૈયદનાને સમ્માનિત કર્યા હતા. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન તેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
સૈયદના સાહેબને હેલ્થ, શિક્ષણ અને પર્યાવરણમાં યોગદાન માટે સમ્માન આપવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વમાં શાંતિનો સંદેશ આપવા માટે પણ તેમણે સમ્માનિત કરાયા છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સૈયદનાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમણે પાકિસ્તાનમાં કેટલાક અલગ અલગ પ્રયાસ કર્યા છે, જેનાથી દેશના સામાજિક આર્થિક વિકાસને ગતિ મળી છે.સૈયદના 20 નવેમ્બરે પાકિસ્તાન સરકાર અને દાઉદી વોહરા સમાજના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમણે કરાચી યૂનિવર્સિટીમાં સૈયદના સૈફુદીન સ્કૂલ ઓફ લોનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. ડો. સૈયદના સાહેબ ગઈકાલે જ પાકિસ્તાનથી મુંબઈ પરત ફર્યા હતા.