ઓખા નગરપાલિકાના અંધેર વહિવટના પાપે સુરજકરાડી વિસ્તારમાં દિવાળી જેવા ઉજાસ ઉમંગના તહેવારોમાં અંધારા છવાયા છે. સુરજકરાડી હાઇવે રોડ મુખ્ય બજારમાં 30માંથી 20 સ્ટ્રીટ લાઇટ બંધ પડી હોય નગરજનોમાં રોષની લાગણી છવાઇ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટી નગરપાલિકા એટલે ઓખા નગર પાલિકા. ઓખા,બેટ, આરંભડા અને સુરજકરાડી એમ ચાર ગામ ભેળવીને ઓખા નગરપાલીકા બનાવાઈ જે ઓખા ગામ ઘણાં વર્ષ નગર પંચાયત સંચાલિત રહેવાથી અને સરકારી કચેરીઓ-આવાસો ઉપરાંત મત્સ્ય બંદર હોવાથી તેમજ જકાતની આવક હોવાથી પહેલાથી જ સમૃધ હતું. ઉપરાંત આરંભડા અને બેટ પણ ઠીક ઠીક વહીવટી આવક ધરાવતી ગ્રામ પંચાયત હતી. પરન્તુ. સુરજકરાડીએ ત્રણેય ગામોની સરખામણીમાં આર્થિક રીતે કંગાળ ગામ પંચાયત હતી.
હવે જ્યારે ત્રણેય ગામો ઓખામાં ભેળવીને નગર પાલિકાનો દરજજો આપ્યો ત્યારે નબળા અને અવિકસિત સુરજકરાડીમાં વધુ વિકાસ થવો જોઈતો હતો પણ એનાથી ઊલટું થયું.
ગત નગરપાલિકાની ચુંટણીમાં 36 બેઠક માંથી 35 બેઠક મતદારો એ ભાજપને આપી. સુરજકરાડી વિસ્તારની તમામ બેઠક પણ ભાજપાને ફાળે ગઈ. મતદારો એ ભાજપાનાં સભ્યો ઉપર સંપૂણ વિશ્વાસ રાખ્યો. અગાઉ ની ચુંટણીઓમાં પણ ભાજપનું પલ્લુ ભારે રહ્યું. ભાજપના નગર સેવકોનું એકહથ્થુ શાસન તથા રોડ, પાણી, સફાઇ ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક જરૂરીયાતોમાં ધગધડા નથી.
હાલ માં જ નવરાત્રિ તહેવાર પુરો થયો અને દિપાવલી નવા વર્ષ ઉમંગ ઉત્સાહ અને ઉજાસ નાં તહેવારો આવી રહ્યાં છે ત્યારે સુરજકરાડી ની હાઈવે રોડ મુખ્ય બજાર ઉપરાંત સોસાયટી,ગામતળ, ઉધોગનગર, કૃષ્ણનગર, શક્તિનગર, ગણેશપુરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનાં ધાંધિયા છે. અમુક વિસ્તારોમાં અડધાથી વધુ સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. હાઇવે રોડ ઉપર લાખોનાં ખર્ચે ઊભા કરેલાં લાઈટનાં ટાવરોમાં એક પણ લાઈટ ચાલુ હાલતમાં નથી. શાકમાર્કેટ અને મધુરમ પાસે આવેલા બન્ને લાઈટ ટાવર શોભાનાં ગાઠીયા સમાન ઉભા છે.
પ્રજા વેપારી કે આગેવાન ફરિયાદ અરજી કરે તો કોઈ સાંભળવા તૈયાર નથી. શાસકો અને પ્રશાસકો પોતાનાં “વહીવટ” માં રચ્યા પચ્યા રહેતાં હોવાથી પ્રજા અંધારાંમાં ઠેબા ખાય છે. પ્રજા જ્યારે નગરપાલિકાનાં વોડે નાં ચુંટાયેલા નગર સેવકોને કે સંગઠનનાં હોદેદારો ને ફરિયાદ કરે તો પણ કંઈ ફરક પડતો નથી ત્યારે ગામમાં એવી પણ ચર્ચા થાય કે શું ચુંટાયેલા સદસ્યો પણ માત્ર મિટીંગમાં ચા નાસ્તો કરી અને ઠરાવોની બહાલી આપવા આંગળી ઉંચી કરવા પુરતાં જ ચુંટાયા છે ? હવે જોવાનું એ રહ્યું કે દિપાવલીનાં તહેવારો પહેલાં સ્ટ્રીટ લાઈટ અને ટાવરોમાં લેમ્પ ફીટ કરાશે કે નગરજનોની દિવાળી અંધારાં માંજ ઊજવાશે?


