પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ટોય ટ્રેન આજથી ફરી શરૂ થઈ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ આ ટોય ટ્રેન કોવિડ -19 રોગચાળાને કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ હતી. હવે ફરીથી આ ટોય ટ્રેન ન્યુ જલપાઈગુડી થી દાર્જિલિંગ વચ્ચે શરુ થઇ છે. નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) તરફથી નિવેદન બહાર પાડીને આની પુષ્ટિ કરવામાં આવી છે. દાર્જિલિંગની આ ટ્રેન ઔપચારિક રીતે દાર્જિલિંગ હિમાલયન રેલવે (DHR) તરીકે ઓળખાય છે.
દાર્જિલિંગ ટોય ટ્રેન 1879 અને 1881 ની વચ્ચે બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવી હતી. તે ન્યુ જલપાઈગુડીથી દાર્જિલિંગ સુધી લગભગ 88 કિલોમીટર દૂર ઝિગ-ઝેગ ટ્રેક પર દોડે છે. તમને જણાવી દઈએ કે દાર્જિલિંગથી કુર્સેઓંગ સુધીની ‘રેડ પાંડા’ સેવા જૂના વરાળ એન્જીન દ્વારા ચલાવવામાં આવે છે. માહિતી અનુસાર, છેલ્લા બે મહિનાથી દાર્જિલિંગ હિમાલયન રેલવે પ્રશાસન (DHR) ટોય ટ્રેનની સેવા ફરી શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી હતી. આજથી ટોય ટ્રેન શરુ થતા પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઈ છે.