દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલાં કેસને પગલે કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાવો લાગ્યો છે. જામનગરમાં મોરકંડા રોડ પર સેટેલાઇટ વિસ્તારમાં રહેતાં અને ઝિમ્બાવેથી આવેલા એક વૃધ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલાં પૈકી તેમના પત્નિ અને સાળો પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ બન્નેના સેમ્પલ ઓમિક્રોનની ચકાસણી માટે પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના પોઝિટીવ આવેલાં વૃધ્ધના પત્નિ પાસે આસપાસના વિસ્તારના 7 થી વધુ બાળકો ટયુશને આવતા હોવાની વિગતો બહાર આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓમિક્રોનને વધુ પ્રસરતો અટકાવવા માટે ટ્રેસિંગ અને ટેસ્ટીંગ પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ક્ધટેનમેન ઝોનમાં ફેરવી નાખવામાં આવ્યો છે. જયારે અહીં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વેથી આવેલાં વૃધ્ધના પત્ની અને સાળાને કોરોના પોઝિટીવ આવ્યા બાદ હરકતમાં આવેલાં આરોગ્ય તંત્રએ આ વિસ્તારમાં સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત આ વૃધ્ધના ઘરે 7 થી વધુ બાળકો ટયુશન માટે આવતા હોવાનું જાણવા મળતાં આરોગ્યતંત્ર ચોંકી ઉઠયું છે. જે બાળકો અહીં ટયુશને આવતાં હતા તેમને તથા તેમના પરિજનોને શોધીને કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત આ વૃધ્ધના સંપર્કમાં કોણ-કોણ આવ્યા હતા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાથી પણ વધુ ઝડપે પ્રસરી રહ્યો હોય સમગ્ર આરોગ્યતંત્ર ઉંધે માથે થયું છે. દરમ્યાન જામ્યુકોના મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી પણ ગઇકાલે આ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને તેમણે જામ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. અહીં ફરજ બજાવતાં ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા મેડિકલ ટીમને કોરોના પ્રસરતો અટકાવવા માટે જરૂરી તમામ પગલાંઓ લેવાની સૂચના આપી હતી. તેમજ ક્ધટેઇમેન્ટ ઝોનના નિયમોનું સખ્ત રીતે પાલન કરાવવા પણ તાકિદ કરવામાં આવી હતી. ઉપરાંત ઓમિક્રોનની દહેશતને પગલે શહેરીજનોને કોવિડ-19 ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અને વેક્સિનના બન્ને ડોઝ તાકિદે લેવડાવી લેવા અપીલ કરી હતી.
જો કે, સારી બાબત એ છે કે, આ વિસ્તાર સિવાય શહેરના અન્ય કોઇ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા નથી. જે કોઇપણ કેસ આવ્યા છે. તે આ વિસ્તારમાંથી છેલ્લા 3 દિવસ દરમ્યાન આવ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ આગળ ન વધે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.