દેશના 75માં સ્વતંત્રતા પર્વની તૈયારીઓ વચ્ચે ઈસરોએ દેશની સરહદો ઉપર ચાંપતી નજર રાખવા માટે ગુરુવારે સવારે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીએસએલવી એફ-10 દ્વારા છોડેલા ઉપગ્રહ ઈઓએસ-03નું પ્રક્ષેપણ કર્યું હતું. ક્રાયોજેનિક એન્જિનમાં આવેલી ટેક્નિકલ ખરાબીને લીધે આ મિશન સફળ થઈ શક્યું નહતું અને જીએસએલવી એફ-10 ઉપગ્રહ ઈઓએસ-03ને ઓર્બિટમાં તરતો મુકી શક્યો નહતો.
ઈસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે પ્રક્ષેપણ વખતે ક્રાયોજેનિક તબક્કામાં જોવા મળેલી તકનીકી મુશ્કેલીને લીધે ઈસરોનું જીએસએલવી-એફ10/ઈઓએસ-03 મિશન પૂર્ણ રીતે સફળ થઈ શક્યું નહતું. આ મિશન સફળ રહેવાથી ભારતને મોટો લાભ થઈ શક્યો હોત. જીએસએલવી એફ-10 રોકેટથી સરહદો પર નજર રાખવા માટેના ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મુકવાનો હતો. આ માટેનું 26 કલાકનો રિવર્સ કાઉન્ટડાઉન શ્રીહરિકોટામાં બુધવારે શરૂ થયું હતું.
સ્પેસલાઈટ નાઉના મતે ઈસરો ઈઓએસ-03 ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં નિષ્પળ રહ્યો છે. ઈસરોએ પુષ્ટિ કરી હતી કે જીએસએલવી એમકે. 2 લોન્ચ આજે ક્રાયોજેનિક તબક્કામાં જોવા મળેલી ખરાબીને લીધે નિષ્ફળ રહ્યું છે. રિપોર્ટ મુજબ 2017 પછી ઈસરો દ્વારા આ પ્રથમ વખત મિશન નિષ્ફળ રહ્યું છે. અગાઉ ઈસરોના 14 વખત મિશન નિષ્ફળ રહ્યા છે. ફેબ્રુઆરીમાં બ્રાઝીલના- અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ
એમેઝોનિયા-1 અને 18 અન્ય નાના સેટેલાઈટના પ્રક્ષેપણ પછી 2021માં ઈસરોનું આ બીજું પ્રક્ષેપણ હતું.
ઈસરોએ આજે સવારે 5.43 કલાકે સફળ લોન્ચિંગ કર્યું હતું. સમય મુજબ તમામ સ્ટેજ પૂર્ણ થઈ રહ્યા હતા. અંતે ઈઓએસ-03ને અલગ કરતા પૂર્વે ક્રાયોજેનિક એન્જિનમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી જેને પગલે ડેટા મળવાનું બંધ થયું હતું. ત્યારબાદ ઈસરો ચેરમેને મિશન આંશિ રીતે નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. આ પ્રક્ષેપણ એપ્રિલ અથવા મેમાં થવાનું હતું, પરુત કોવિડ-19ની બીજી લહેરને પગલે તેને ટાળવામાં આવ્યું હતુ.
ક્રાયોજેનિક એન્જિનમાં ક્ષતિ, છેલ્લી ઘડીએ ઇસરોનું મિશન અસફળ
લોન્ચિંગના 10 સેકન્ડ પહેલાં સિગ્નલ અને આંકડા મળવા બંધ થઈ ગયા હતા