Friday, October 18, 2024
Homeરાજ્યગુજરાતજામનગરને રાહત : બે ડગલાં પાછળ હટી કચ્છને ધમરોળશે વાવાઝોડું

જામનગરને રાહત : બે ડગલાં પાછળ હટી કચ્છને ધમરોળશે વાવાઝોડું

- Advertisement -

છેલ્લા 4 દિવસથી અરબી સમુદ્રમાં ઘુમરાઇ રહેલું બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છને સતત ડરાવી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાએ સમુદ્રમાં બે ડગલાં પાછળ હટી કચ્છ પર ત્રાટકવાની સંપૂર્ણ તૈયાર કરી લીધી હોય તેવું જણાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15મી જૂને બિપોરજોય વાવાઝોડું કચ્છના નલિયાથી લઇને પાકિસ્તાનના કરાંચી વચ્ચે લેન્ડ ફોર કરશે. આ સમયે વાવાઝોડાની ઝડપ 120 થી 140 કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે. છેલ્લા બે દિવસથી કચ્છ-દ્વારકાના કાંઠે આગળ પાછળ થઇ રહેલું આ વાવાઝોડું હવે નિશ્ર્ચિત પણે કચ્છ પર ત્રાટકશે તેવું હવામાન વિભાગે સ્પષ્ટ કર્યુ છે. જેની પુષ્ટિ આજે સવારે કચ્છમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદ દરમ્યાન કરી છે. 15મીએ બિપોરજોય વાવાઝોડું કચ્છના ઉતરના ભાગોને ધમરોળી રાજસ્થાન તરફ આગળ વધી જશે. બીજા અર્થમાં કહીએ તો વાવાઝોડાના આ રૂટથી જામનગર અને દ્વારકા જિલ્લાને થોડી રાહત સાંપડી છે.

- Advertisement -

ભારે અને તોફાની પવનોથી જામનગર જિલ્લાને રાહત મળી શકે છે. પરંતુ વાવાઝોડાને મોટા ઘેરાવાને ધ્યાનમાં લેતાં તેની અસર હેઠળ બન્ને જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. ગઇરાત્રિ દરમ્યાન દ્વારકા અને જામનગર જિલ્લામાં વાવાઝોડાની વરસાદી અસર જોવા મળી ચૂકી છે. આજે પણ 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો સાથે બન્ને જિલ્લામાં હળવા ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે.

દરમ્યાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કચ્છમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે રાજયના તમામ જિલ્લાઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જયારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ વાવાઝોડાને લઇને એકશન મોડમાં જોવા મળી રહયા છે. તેઓ આજે બપોરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયના ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાની સ્થિતિ અંગેની સમીક્ષા કરશે જેમાં જામનગર સહિત 6 જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો પણ જોડાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ પણ ગઇકાલે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ગુજરાતને કેન્દ્રની તમામ મદદની ખાતરી આપી હતી.

- Advertisement -

દ્વારકામાં વાવાઝોડાની આફત ટળે તે માટે ગઇકાલે જગત મંદિર પર એક સાથે બબ્બે-બબ્બે ધ્વજા ચઢાવવામાં આવ્યા બાદ આજે જગત મંદિર પર ધ્વજા ચઢાવવામાં નહીં આવે તેવું દેવસ્થાન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બન્ને જિલ્લામાં રાહત અને બચાવની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular