દેશમાં સતત સાયબર એટેકના મામલા સામે આવી રહ્યા છે. હાલમાં જ દિલ્હી AIIMS ના સર્વર પર પણ સાઈબર એટેક કરવામાં આવ્યો હતો. સર્વર ડાઉન ટાઈમના કારણે કેટલાંક દિવસો સુધી તમામ કામગીરી ખોરવાઈ ગઈ હતી. એઈમ્સ બાદ ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ ઈન્સ્ટીટયુટની વેબસાઈટ પર સાઈબર હુમલો થયો હોવાનું સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હેકર્સ એક જ દિવસમાં લગભગ છ હજાર વખત સાઈબર એટેકનો પ્રયાસ કર્યો છે. 30 નવેમ્બરે ICMR ની વેબસાઈટ પર સાઈબર એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મળેલ અહેવાલો મુજબ ICMR ની વેબસાઈટ પર હોગકોંગ સ્થિત બ્લેકલિસ્ટેડ IP એડે્રસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ICMR ના સર્વરની ફાયર વોલમાં કોઇ મોટું નુકસાન થયું નહોતું. જેના કારણે હેકર્સ દર્દીની માહિતી મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. હાલ ICMR ની વેબસાઈટ સુરક્ષિત છે.