રશિયા-યુક્રેન યુધ્ધને કારણે ઉભી થયેલી ત્રીજા વિશ્ર્વ યુધ્ધની આશંકાઓને પગલે ક્રુડ, કોમોડિટી, મેટલ્સના ભાવમાં આવેલો ઉછાળો હવે ધીમે-ધીમે સમવા લાગતા ભારત સહિતના દેશોને મોટી રાહત સાંપડી છે. યુધ્ધને પગલે આવેલા ઉછાળાએ વૈશ્ર્વિક અર્થતંત્રને ડામાડોળ કરી દીધું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી યુધ્ધ ધીમું પડતાં અને ત્રીજા વિશ્ર્વ યુધ્ધની આશંકાઓ ઓસરવા લાગતા કોમોડિટીના ભાવ ઐતિહાસિક સપાટીથી ઝડપભેર નીચે આવવા લાગ્યા છે. છેલ્લા બે દિવસમાં ક્રૂડ અને સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ખાસ કરીને 132 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયેલો ક્રુડના ભાવમાં છેલ્લા બે દિવસમાં 20 ટકાનું ગાબડું નોંધાયું છે. આજે ક્રુડનો ભાવ ફરીથી 100 ડોલરની અંદર આવી ગયો છે. પરિણામે 80 ટકા ક્રુડની આયાત કરતાં ભારતને સૌથી મોટી રાહત મળી છે. જેને કારણે જ સરકારે હજુ સુધી દેશમાં ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. ઝડપથી બદલાઇ રહેલી પરિસ્થિતિ પર નજર રાખી રહેલી સરકાર ભાવને લઇને કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવા માગતી નથી.
છેલ્લા બે દિવસથી સોનું, ચાંદી, સ્ટીલ, નિકલ, એલ્યુમિનિયમ, કોપર સહિતની ધાતુઓના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. સોના, ચાંદીમાં ઉંચાઇએથી લગભગ પાંચ ટકા જેવો ઘટાડો આવ્યો છે. તો બીજી તરફ અન્ય ધાતુના ભાવ પણ ઘટવા લાગતા મોંઘવારી ક્ષેત્રે રાહત મળવાની સંભાવના જણાઇ રહી છે. અન્ય કોમોડિટી જેવી કે, અનાજ, ખાદ્યતેલ તેમજ અન્ય ચીજવસ્તુઓના ભાવોમાં પણ આવેલી ઓટને કારણે લોકોને રાહત મળવાની સંભાવનાઓ જણાઇ રહી છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુધ્ધની પરિસ્થિતિ વધુ વણસે નહીં તો આગામી થોડા દિવસોમાં સ્થિતિ થાળે પડી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.