જામનગર શહેરમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની અનેક વેપારી સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધના એલાન કરવામાં આવ્યું હતું. જોકે ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધના એલાનની શહેરમાં મિશ્ર અસર જોવા મળી હતી. આજે અંતિમ દિવસે પણ જામનગર શહેરમાં બેડી ગેઈટ, ટાઉન હોલ, સુપર માર્કેટ સહિતના વિસ્તારોમાં દુકાનો ખુલી જોવા મળી હતી. તો બીજી બાજુ જામનગર મહાનગર પાલિકા દ્વારા લખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના બાગ બગીચા બંધ કરવામાં આવ્યા છે.
જામનગર શહેર જીલ્લામાં કોરોનાનો કાળો કહેર અવિરત રહેતા છેલ્લા 24 કલાક માં રેકોર્ડ બ્રેક 366 નવા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે તેમ છતાં આજે રવિવારે રજાનો દિવસ હોય કોરોનાનો ડર છોડી શહેરીજનો તળાવની પાળ ખાતે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.