ખંભાળિયામાં રહેતા એક કુખ્યાત શખ્સ દ્વારા તાજેતરમાં પાસામાંથી છૂટી અને ગુંડાગીરી કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક આસામીને છરી બતાડી, બેફામ માર મારી, રોકડ રકમની લૂંટ ચલાવવા સબબ મુખ્ય આરોપી તથા અન્ય એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામના અર્જુનસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા નામના 22 વર્ષના યુવાન દ્વારા કૈલાશ બાવાજી તથા સાજીદ સમા નામના બે શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ મંગળવારે રાત્રિના સમયે ફરિયાદી અર્જુનસિંહ તથા તેમની સાથે અન્ય મિત્રો જુગલભાઈ નામના એક આસામીની રીક્ષા રાખી અને ચાર રસ્તા વિસ્તારમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરતા જુગલભાઈની રિક્ષામાં ઉપરોક્ત બે શખ્સો બેઠા હતા અને બંનેએ જુગલભાઈને રીક્ષા લઈ લેવાનું કહેતા આ રીક્ષામાં ફરિયાદી અર્જુનસિંહ તથા અન્ય સાહેદોને જવાનું હોવાથી કૈલાસ તથા સાજીદને રિક્ષામાંથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું.
આ બાબતનું મનદુ:ખ રાખી, બંને આરોપીઓએ બિભત્સ ગાળો કાઢીને અર્જુનસિંહને ફડાકા ખેંચી લીધા હતા. એટલું જ નહીં, સાથે રહેલા કૈલાસ બાવાજીએ છરી વડે ફરિયાદી અર્જુનસિંહના ડાબા હાથના ભાગે માર મારી, શર્ટનો કાંઠલો પકડી, ગાળા ગાળી કરી હતી. આ ઉપરાંત કૈલાશ બાવાજી દ્વારા તેના ગળા પર છરી રાખી મોતનો ભય બતાવી અને અર્જુનસિંહના ખિસ્સામાં રહેલા રૂપિયા 1,700 જેટલી રોકડ રકમ ઝુંટવી લઈને લૂંટ ચલાવી હતી. જતા જતા આરોપી શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી દીધી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કૈલાસ બાવાજી તથા સાજીદ સમા સામે આઇ.પી.સી. કલમ 394, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણના આરોપી કૈલાશ બાવાજી સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી થઈ હતી અને જામીનમુક્ત થયા બાદ તેણે અગાઉ પણ એક સ્થળે દાદાગીરી કરી હોવાનો બનાવ નોંધાયો હતો. ત્યારે મંગળવારે રાત્રિના ઉપરોક્ત બનાવના વિડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે આગળની કાર્યવાહી એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે.