Friday, November 22, 2024
Homeરાજ્યપટનાની ખાનગી ઇન્સ્ટિટ્યૂટના બોગસ સર્ટિફિકેટ બનાવવા સબબ પાંચ શખ્સો સામે ગુનો

પટનાની ખાનગી ઇન્સ્ટિટ્યૂટના બોગસ સર્ટિફિકેટ બનાવવા સબબ પાંચ શખ્સો સામે ગુનો

પૈસા લઈ અને પટનાનો શખ્સ બોગસ ડીગ્રી બનાવી આપતો હતો : બોગસ સર્ટિફિકેટ કબજે

- Advertisement -

ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે એક શખ્સને પોલીસે શંકાસ્પદ હાલતમાં કેટલાક સર્ટિફિકેટો સાથે ઝડપી લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસમાં પાંચ શખ્સો દ્વારા મીલીભગત આચરીને કરવામાં આવતું બોગસ સર્ટિફિકેટનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. જે સંદર્ભે ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસે મૂળ જામનગર જિલ્લાના અને હાલ બિહાર (પટના)ના એક શખ્સ સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકારની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલી એક હોટલ પાસેથી પસાર થતા જામનગર તાલુકાના બેડી વિસ્તારમાં રહેતા જુમા જુસબ ઓસમાણ નામના 50 વર્ષીય એક આધેડને પોલીસે અટકાવ્યો હતો. આ શખ્સની તલાશી લેતા તેની પાસેથી કેટલાક સર્ટિફિકેટ મળી આવ્યા હતા. પટણાની નેશનલ ઇન્લેન્ડ નેવિગેશન ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થાના આ સર્ટીફીકેટને પોલીસે ક્રોસ વેરિફિકેશન માટે આ સંસ્થામાં મોકલવામાં આવતા તેના પ્રત્યુત્તરમાં સંસ્થાના સંચાલકો દ્વારા આ સર્ટિફિકેટ બોગસ હોવાનું જાહેર કર્યું હતું. આના અનુસંધાને પોલીસે જુમા જુસબની કરેલી પૂછપરછમાં તેના દ્વારા અન્ય ત્રણ સાગરિતો એવા બેડી ગામના રહીશ અબ્દુલ આદમ હુસેન, અસર કાસમ ઈશા ચંગડા અને અસરફ અબ્બાસ જાકૂબ સુરાણી નામના શખ્સોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, ઉપરોક્ત ચારેય શખ્સો દ્વારા મીલીભગત કરીને મૂળ બેડી ગામના રહીશ અને હાલ પટના (બિહાર)ના રહેવાસી અમિત નામના શખ્સને ઉપરોક્ત ઇન્સ્ટિટયૂટમાં સર્ટીફીકેટ મેળવવા ઈચ્છતા આસામીઓને સમજાવી, ગેરકાયદેસર રીતે તાલીમ અને પરીક્ષા વગર સેક્ધડ ક્લાસ માસ્ટરના કોર્સ અંગેના ઉપરોક્ત સર્ટીફીકેટ બનાવી આપવામાં આવતા હતા.
ઉલેખનીય છે કે દરિયાઈ ફિશિંગ વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓ કે સંસ્થાઓમાં કામ કરવા માટે ઉપરોક્ત ટ્રેનીંગ તથા ડિગ્રી અનિવાર્ય છે, તે સર્ટિ. આરોપીઓ મીલીભગત કરીને બનાવી આપતા હતા. તે બદલ પ્રથમ ચાર આરોપીઓ ગ્રાહકો શોધી, તેઓ પાસેથી રકમ મેળવી અને પોતાનું કમીશન રાખી અમિતને બાકીની રકમ મોકલી આપતા હતા. જેથી તેઓ દ્વારા ખોટા સર્ટીફીકેટ બનાવી આપવામાં આવતા હતા.

આ પ્રકરણમાં પોલીસે એકાદ ડઝન જેટલા બોગસ સર્ટિફિકેટ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઉપરોક્ત પાંચેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી) 465, 468 તથા 471 મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ અહીંના એ.એસ.પી. નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ બોગસ સર્ટિફિકેટ પ્રકરણના આરોપીઓ નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. આરોપીઓ ઝડપાઇ ગયા બાદ તેની પૂછપરછમાં વધુ કેટલાક નામો તથા સર્ટિફિકેટ મેળવનારા શખ્સો પણ સામે આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular