ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલ શ્રીલંકા અને ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ત્યારે સોશિયલ મીડિયા પર ક્રીકેટરો વિવાદમાં છે. થોડા દિવસો અગાઉ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની એક કમેન્ટ પર વિવાદ વકર્યો હતો. જેમાં તેઓએ પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ મામલામાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પણ નામ સામે આવ્યું છે.
રવીન્દ્ર જાડેજાએ ટ્વીટર પર એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું છે કે રાજપૂત બોય…ફોરેવર… જય હિન્દ… અને તેના આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં વિવાદ શરુ થયો છે. રવીન્દ્ર જાડેજાએ તેની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો હોવાથી અનેક લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એક યુઝર્સે લખ્યું છે કે સર તમે લાખો લોકોની પ્રેરણા છો, પરંતુ તમારાથી આવી ઉમ્મીદ ન હતી. રંગ કે જાતિથી કોઈ ફર્ક નથી પડતો તમે જે પણ હોવ અમે તમારી સાથે જ છીએ.
થોડા દિવસો અગાઉ સુરેશને જ્યારે એક કમેન્ટેટરે પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી તો તેને સાઉથ ઇન્ડિયન પોશાકમાં નાચતા અને સીટી વગાડતા જોવા મળ્યો હતો. જવાબ આપતા રૈનાએ કહ્યું કે, મને લાગે છે હું પણ બ્રાહ્મણ છું. હું 2004થી ચેન્નઇની ટીમ તરફથી રમી રહ્યો છું અને મને અહીની સંસ્કૃતિ સાથે પ્રેમ છે. જ્ઞાતિના ઉલ્લેખ સાથેના તેના આ નિવેદનને લઇને પણ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા.