આજથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચ સાથે ભારતમાં ક્રિકેટના મહાકૂંભનો પ્રારંભ થશે. ભારત પહેલીવાર એકલા હાથે વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ પહેલા ભારત સંયુક્ત રૂપે ત્રણ વાર યજમાન રહી ચુક્યું છે. ભારતે 1987, 1996 અને 2011માં સંયુક્ત રૂપે ત્રણ વાર યજમાની કરી છે.
છેલ્લા કેટલાય દિવસોથી ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે તેનો આજથી પ્રારંભ થશે અને આ સાથે આ 46 દિવસ સુધી ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો ચરમસીમાએ રહેશે. આ 46 દિવસ ચાલનારા વર્લ્ડ કપમાં ભારતના 10 શહેરોમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે જેમાં એક ટીમ ચેમ્પિયન બનશે. વર્ષ 1975માં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઈ ત્યારથી 2007ના વર્લ્ડ કપ સુધી કોઈ યજમાન દેશ વર્લ્ડ ચેમ્પિયન બની ન હતી. જો કે આ વલણ ભારતે તોડીને 2011માં 28 વર્ષ બાદ વિશ્વ ચેમ્પિયન બની હતી. ત્યારથી લઈને 2019ના છેલ્લા વર્લ્ડ કપ સુધી માત્ર યજમાન દેશને જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સન્માન મળી રહ્યું છે. આ વર્ષે ભારત યજમાની કરી રહ્યું છે એટલે ભારતને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે જો કે આ માટે ભારત સામે ઘણા પડકાર છે.
ભારતની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા બાદ સૌથી સફળ ટીમ છે. ભારતીય ટીમે 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં પહેલો વર્લ્ડ કપ જીત્યા હતા ત્યાર બાદ 28 વર્ષે ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની હતી. આ સિવાય ભારતીય ટીમ 2003ના વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી હતી અને રનર્સ અપ બની હતી. આ ઉપરાંત ભારત ચાર વખત સેમિફાઈનલમાં પહોંચી છે જેમાં 1987માં ઈંગ્લેન્ડ સામે, 1996માં શ્રીલંકા સામે, 2015માં ઓસ્ટ્રેલિયા સામે તેમજ 2019માં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનું 2007ના વર્લ્ડ કપમાં ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાય ગઈ હતી જો કે ત્યારબાદથી ભારતીય ટીમ ત્રણ વર્લ્ડ કપમાં એક વાર ચેમ્પિયન અને બે વાર સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે.
આજથી વનડે વર્લ્ડ કપની 13મી આવૃત્તિ શરૂ થઈ રહી છે ત્યારે પહેલી મેચ જેને ઉદ્ધાટન મેચ પણ કહેવામાં આવે છે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપની મેચો ભારતના 10 શહેરોમાં રમાશે જેમાં હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરૂ, મુંબઈ અને કોલકાતામાં યોજાશે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં પર જ 19 નવેમ્બરે રમાશે.
ભારતની પ્રથમ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ક્રિકેટમાં પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે અને ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાશે જેમાં 10માંથી ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં જશે. 2019માં પણ આ જ ફોર્મેટમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈંગ્લિશ ટીમ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બની હતી.