દેશમાં કોરોના વેક્સિનના મિક્સિંગ પર થયેલી પહેલી સ્ટડીનાં પરિણામો ICMRએ જાહેર કર્યા છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડના મિક્સ ડોઝથી કોરોના વાઈરસ વિરુદ્ધ વધુ સારી સુરક્ષા મળી શકે છે. ICMR પ્રમાણે, એડિનોવાઈરસ વેક્ટર પ્લેટફોર્મ વેક્સિન અને ઈનએક્ટિવેટેડ હોલ વાઈરસ વેકિસનનો મિક્સ ડોઝ લેવો સેફ છે. આ બંને વેક્સિનની અલગ-અલગ ડોઝથી એક જ વેક્સિનના બે ડોઝની તુલનામાં સારી ઈમ્યુનિટી મળે છે.
કોરોના વેક્સિન મિક્સિંગ સ્ટડી યુપીમાં ICMR દ્વારા મે-જૂન મહિનામાં હાથ ધરવામાં આવી હતી. DGCIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવાક્સિનના મિશ્ર ડોઝની સ્ટડી સૂચવી હતી. ત્યારબાદ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોરને પણ વેક્સિનનો મિક્સ ટ્રાયલ ડોઝની અનુમતી આપવામાં આવી હતી.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર અને ડેલ્ટા વેરિયન્ટ્સના જોખમ વચ્ચે આ અભ્યાસ ઘણી રાહત પ્રદાન કરશે. મિક્સ ડોઝ વેક્સિનની ઉણપને દૂર કરવામાં મદદ કરશે. તે લોકોમાં વિવિધ વેક્સિન ડોઝથી પ્રતિકૂળ અસરોનો ડર પણ ઘટાડશે.