જામનગરમાં રહેતા હુશેની સૈફુદ્દીન શામ સામે 2007માં રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી બુરહાની પાર્કમાં આવેલ પ્લોટ નં. 62/2 વાળુ મકાન પોતાની માતાના નામે ખરીદ કર્યું હતું. જે તે સમયે મકાનના માલિક ખોજેમા ધાબરીયાએ મકાનના અસલ દસ્તાવેજો બેંકમાં ગિરો મુકેલા હોય બેંકમાંથી મળ્યે હુશેનીને આપી દેશ તેવો ભરોષો આપી મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ અને મકાનના ચાવી ફરિયાદી હુશેને શામને આપતા ફરિયાદી તેમાં પરિવાર સાથે રહેવા લાગ્યા હતાં.
બાદમાં ખોજામા ધાબરીયાએ અસલ દસ્તાવેજો બેંકમાંથી આવતાં મહમદ અબ્બાસ પેટીવાલા સાથે મળી રંજનબેન મહેશ સચદેવ, જિતેન્દ્ર લક્ષ્મીદાસ નંદા અને અસ્માબેન અબ્બાસ, ભારમલ અને મુસ્તફા અબ્બાસ ભારમલે કાવતરું રચિ ફરીથી ત્રાહિત વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કરી અને ઉજ્જવલ સ્મોલ ફાયનાન્સ બેંક લિ.ના મેનેજર સાથે મળી નવા દસ્તાવેજ આધારે લોન મેળવી લીધી હતી.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતાં ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાને તા. 9-10-22ના રોજ અરજી કરી હતી. પરંતુ પોલીસે આ બોગસ દસ્તાવેજ અંગે ગુનો દાખલ ન કરતાં ફરિયાદીએ જામનગરની અદાલતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી તરફે રજૂઆત ધ્યાને લઇ અદાલતે ફરિયાદીએ પોલીસમાં કરેલ ફરિયાદ અંગે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને દસ દિવસમાં લેખિત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે.
લલીતાકુમારના કેસમાં સુપ્રિમકોર્ટ મિલકત સંબંધી કેસોમાં 7 દિવસમાં ફરિયાદ દાખલ કરવી જોઇએ. તેવો આદેશ હોવા છતાં આ કેસમાં પોલીસે 7 દિવસમાં ફરિયાદ નોંધવામાં નિષ્ફળ જતાં ચીફ જ્યુડી. મેજી. એમ.એમ. સોનીએ ઉપરોક્ત આદેશ કર્યા છે.
ફરિયાદી તરફે વકીલ વી.એચ. કનારા, ધીરેન એચ. કનારા, શ્રધ્ધા કનારા, શૈલેષ વોરીયા, ધીરેન એન. ભેડા, ડી.બી. બારડ, સુનિલ એસ. ખાંભલા રોકાયેલા હતાં.


