સૌરાષ્ટ્રમાં રવિવારના દિવસે તો કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ દુબઈથી દેવભૂમિ દ્વારકાના ઓખામાં પ્રસંગમાં આવેલા 54 વર્ષીય આધેડનો શનિવારે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોટેલમાં કોરન્ટાઈન કરાયા છે.
દેવભૂમિ દ્વારકાના આરોગ્ય અધિકારી સુતરીયાએ જણાવ્યું કે, દુબઈ રહેતો પરિવાર ફ્લાઈટમાં ગત શુક્રવારે મુંબઈ પહોચતા ત્યાં તમામનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયો હતો. જ્યાંથી તેઓ ફ્લાઈટથી જામનગર પહોચ્યા હતા. જે બાદ તેમના વતન રાજકોટના ઉપલેટામાં ગયા હતા. શનિવારે સવારે તેઓ ઓખા આવવા નીકળ્યા ત્યારે ટેસ્ટનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને ઓખાની હોટેલમાં કોરન્ટાઈન કરાયા છે. જોકે મહત્વની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં આરોગ્ય વિભાગની યાદીમાં દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એક પણ કેસ દાખલ થયો નથી. જોકે રવિવારે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં રવિવારેએક પણ કેસ નોંધાયો નથી.